મોરબીના પીપળીયા ગામના આધેડ હવે 28મીએ સમાધી નહિ લ્યે…

- text


જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને જાથાના પ્રયાસો બાદ દુધઈ ખાતેના નવઘણ દાદાના મંદિરના મહંતની સમજાવટથી કાંતિલાલે સમાધી લેવાનો નિર્ણય મોકૂફ રાખ્યો

મોરબી : મોરબીના પીપળીયા ગામે રહેતા આધેડે 28મીએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરીને સૌને આઘાતનો આચકો આપ્યો હતો.જોકે આ આધેડને વિજ્ઞાન જાથાની ટિમ અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમે સમજાવવા માટે સઘન પ્રયાસો છતાં તેઓ અડગ રહ્યા હતા.દરમિયાન આજે તેઓ દુધઈ સ્થિત નવઘણ દાદાના મંદિરની મુલાકાતે ગયા હતા અને આ મંદિરના મહંતની સમજાવટથી કાંતિલાલે હાલ પૂરતો સમાધી નહિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.જેના પગલે તંત્રએ રાહતનો દમ લીધો છે.

મોરબીના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મૂછડીયા નામના આધેડે આગામી 28મીએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરતા સમગ્ર રાજ્યમાં ભારે ઉહાપો મચી ગયો હતો.જોકે કાંતિલાલે પોતાના આરાધ્યદેવ જામ દુધઈ ખાતે આશરે 450 વર્ષ બિરાજમાન નવઘણ દાદાએ સ્વપ્નમાં આવીને મોક્ષ પ્રાપ્તિ માટે સમાધી લેવાનો આદેશ આપ્યો હોવાનું જણાવીને તા.28મીએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી હતી.જેના પગલે વિજ્ઞાન જાથાની ટિમ અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર હરક્તમાં આવ્યું હતું અને કાંતિલાલને સમજાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.પણ કાંતિલાલ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.

- text

દરમિયાન કાંતિલાલ જેને પોતાના આરાધ્ય દેવ માને છે તે જામદૂધઈ ગામે આવેલ નવઘણ દાદાના મંદિરના પૂજારી નથુરામ ગુરુ સહિતના લોકોએ પીપળીયા ગામે કાંતિલાલની મુલાકાત કરી હતી અને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.બાદમાં કાંતિલાલ આજે દુધઈ ખાતે નવઘણ દાદાના મંદિરે ગયા હતા અને ગુરુ સાથે સઘન ચર્ચા કરી હતી.જેમાં તેમના ગૃરુએ તેમને સમજાવ્યું હતું કે આ જગ્યાની પરંપરા મુજબ તમે સમાધી ન લઈ શકો અને અમારા પૂર્વજોએ પણ આવું કર્યું નથી માટે ગુરુએ જગ્યાની પરંપરા અનુસાર કાંતિલાલને સમાધી લેવાની ના પાડી હતી.આથી કાંતિલાલે મીડિયા સમક્ષ પોતાનો સમાધી લેવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખે છે તેવી જાહેરાત કરી હતી. કોઈપણ વ્યક્તિના દબાણને કારણે નહિ પણ પોતાના ગુરુના આદેશના કારણે હવે 28મીએ સમાધી લેશે નહીં એવું જાહેર કર્યું છે.જેથી સમગ્ર જિલ્લા તંત્રએ રાહતનો દમ લીધો છે.

- text