સિરામિક ઉદ્યોગને મોટો ફટકો : ભારતની ટાઇલ્સ પર તોતીંગ ડ્યુટી લગાવતું સાઉદી અરેબિયા

ચાઇનાની સિરામિક પ્રોડકટ ઉપર 23.5% જ્યારે ભારતની પ્રોડકટ ઉપર 42.9% ડ્યૂટી લગાવાઇ : મોરબીના ઉદ્યોગોનું 30 % ઉત્પાદન સાઉદી અરેબિયામા નિકાસ થતું હોય મોરબીના અર્થતંત્રને ભારે નુકશાન પહોંચવાની ભીતિ

મોરબી : મોરબીના સિરામીક ઉધોગ ઉપર વધુ એક મુસીબત ઉમેરાઈ છે. સાઉદી અરેબીયા દ્વારા એન્ટીડમ્પીંગમા ચાઈના કરતા ભારતની ટાઇલ્સ ઉપર ૨૦% વધુ ડયુટી નાખવાનુ નકકી થયું છે. આ નિર્ણય મોરબીના સિરામીક ઉધોગનો મૃત્યુઘંટ અને સાથોસાથ મોરબીના અર્થતંત્રની કમર પણ તોડી નાખશે. આ નિર્ણયથી રોજગારીમા પણ ભારે અસર પહોંચશે તેવી ભીતિ સીરામીક એસોસિએશન દ્વારા સેવાઈ રહી છે.

સાઉદી અરેબિયા દ્વારા ગલ્ફના દેશોમાં એન્ટી ડમ્પીંગ ડ્યૂટી લગાવવા માટેની ડ્યૂટીની ટકાવારી જે સામે આવી છે તે મોરબીના સીરામીક ઉધોગ માટે મૃત્યુઘંટ સમાન છે. ચાઇનાની બે ત્રણ કંપનીને બાદ કરતા ચાઇના ઉપર 23.5% તેમજ ભારતની ત્રણ કંપનીને બાદ કરતા ભારતની તમામ કંપનીની ટાઇલ્સ ઉપર તોતીંગ 42.9% ડ્યૂટી લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે ભારતની ટાઇલ્સ ઉપર ચાઇના કરતા 20% વધુ ડ્યુટી લાગશે. જેથી ભારતમાંથી ફક્ત એક જ કંપની એક્સપોર્ટ કરી શકે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. ત્યારે મોરબીથી 30% થી વધુ એક્સપોર્ટ ગલ્ફના દેશોમાં થાય છે ત્યારે મોરબીના સીરામીક ઉદ્યોગનો મૃત્યુઘંટ તો વાગશે સાથોસાથ મોરબીના અર્થતંત્રમાં પણ એની વરવી અસર થશે .

આગામી ૧૦ તારીખ સુધીમાં આ બાબતે કઈ પણ તકલીફ હોય તો ગલ્ફના દેશોમાં જે તે વિભાગોમાં રજુઆત કરી શકાય તેમ છે. ત્યારે જોવાનું રહ્યું કે આ ઉદ્યોગને બચાવવા માટે કાયદાકીય રસ્તા તો લગભગ બંધ જેવા છે ત્યારે સરકાર દ્વારા તેમની સાઉદી અરેબિયાની સરકાર સાથે વાટાઘાટો કરી ને રસ્તો નીકળે નહીંતર આ ઉદ્યોગ મુસીબતમાં તો છે ત્યારે આ નવી પીડા આવતા આ ઉદ્યોગની હાલત ભયંકર થશે .

તાજેતરમાં જ નામદાર એનજીટી કોર્ટના આદેશ અનુસાર કોલગેસ બંધ થયા અને ત્યારબાદ ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરોડોના દંડ માટેના પત્રો આપેલ છે ત્યારે આ ઉદ્યોગની માઠી બેઠી હોય તેમ એક પછી એક આવી પીડા આવતી રહે છે ત્યારે મોરબીના ઉદ્યોગકારોની આ પીડા સાથે સરકાર પાસે અપેક્ષાની એક મીટ રાખીને ઉદ્યોગકારો બેઠા છે ત્યારે આ ઉદ્યોગ તેમજ મોરબીને બચાવવા માટે પગલાં સરકાર ભરે તેવી આશા ઉદ્યોગકારો રાખી રહ્યા છે .

મોરબીના તમામ રાજકીય આગેવાનો , તેમજ સામાજિક જીવનના જોડાયેલા લોકો અને પ્રતિષ્ઠિત અને પ્રબુદ્ધ નાગરિકો પણ ઉદ્યોગ અને મોરબીને બચાવવા સહયોગ કરે તેવી આશા સીરામીક ઉદ્યોગ સેવી રહ્યો હોવાનું એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.