મોરબી પંથકમાં ગૌ માતાના લાભાર્થે 3 ગામોમાં નાટકો યોજાયા, રૂ. 18.5 લાખનો ફાળો થયો

- text


ગૌ માતાના નિભાવ માટે દર વર્ષે નાટક યોજવાની પરંપરા : સૌથી જૂની નાટક પરંપરા લજાઈ ગામે છેલ્લા 53 વર્ષથી જળવાઈ રહી છે
પૌરાણિક નાટકની સાથોસાથ યોજાતા પેટ પકડીને હસાવતા કોમિક નાટકને નિહાળવા માટે હકડેઠઠ મેદની જામે છે

મોરબી : મોરબી પંથકમાં ગૌ માતાના નિભાવ અર્થે નાટકની અનોખી પરંપરા હાલ સુધી કાયમ રહી છે. પંથકમાં 3 ગામોમાં નવરાત્રી બાદ નાટકો યોજવામાં આવ્યા હતા. જેમાં પૌરાણિક નાટકની સાથોસાથ પેટ પકડીને હસાવતા કોમિક નાટક પણ ભજવવામાં આવ્યા હતા. 3 ગામોમાં ભજવાયેલા આ નાટકોમાં ગૌ માતાના લાભાર્થે રૂ. 18.5 લાખનો ફાળો એકત્ર થયો હતો. મોરબીના ગામોમાં ગૌ શાળાઓમાં ગાયોના નિભાવ માટે નાટક યોજવાની પરંપરા છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહી છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન નાટકો યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે નવરાત્રીએ મેઘરાજાનું વિઘ્ન નડતા નાટકોની તારીખો પાછળ ઠેલવાઈ હતી. તમામ નાટકો નવરાત્રી બાદ યોજવા પડ્યા હતા. આ નાટકોમાં ગામના જ પુરુષો વિવિધ પાત્રો ભજવીને પૌરાણિક કથાઓને જીવંત રાખે છે.

મોરબી પંથકમાં નવરાત્રી બાદ લજાઈ, રાજપર અને લાલપર ગામે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લજાઈ ગામે આજથી 53 વર્ષ પૂર્વે મહંત સોમદતબાપુએ એવો નિર્ણય લીધો હતો કે ગામની એક પણ ગાય કતલખાને જશે નહિ. તેનો નિભાવ આપણે જ કરીશું. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે આ ગામમાં ગૌ માતાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ ગૌ આશિષ નાટક ભજવાયું હતું. જેમાં એક જ રાતના દાતાઓએ અનુદાનની સરવાણી વ્હાવતા રૂ. 8 લાખનો ફાળો એકત્ર થયો હતો.

- text

આવી જ રીતે રાજપર ગામે પણ છેલ્લા 20 વર્ષથી નાટકની પરંપરા ચાલી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં પાવાગઢનું પતન નાટક ભજવાયું હતું. આ સાથે બોલ બકા બોલ હાસ્ય નાટક પણ યોજાયું હતું. આ ગામમાં 70 ગાયોને દત્તક લેવામાં આવી છે. હાલ ગામની ગૌ શાળામાં 125 જેટલી ગાયોનો નિભાવ થાય છે. નાટકમાં રૂ.4.51 લાખનો ફાળો એકત્ર થયો હતો. સાથે 500 મણ ઘાસચારો અને 300 ગુણી ખોળનું પણ અનુદાન મળ્યું હતું.

જ્યારે લાલપર ગામે રામરાજ ગૌ શાળાના લાભાર્થે છેલ્લા 14 વર્ષથી નાટકનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે તાજેતરમાં જોગીદાસ ખુમાણ નાટક યોજાયું હતું. જેમાં રૂ. 6 લાખ જેટલો ફાળો એકત્ર થયો હતો.

આમ મોરબી પંથકમાં ગૌ માતાના નિભાવ માટે નાટકો યોજવાની જૂની પરંપરા હજુ પણ ચાલુ છે. આ વર્ષે નવરાત્રી બાદ ત્રણ ગામોમાં યોજાયેલા નાટકોમાં રૂ. 18.5 લાખનો ફાળો એકત્ર થયો છે. આ ફાળામાંથી ગાયોનો નિભાવ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ નાટકોમાં અધિકારીઓ, રાજકારણીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ પણ ભાગ લે છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

 

- text