મોરબી જિલ્લામા રાઈડ્સના પરીક્ષણ માટે સબ કમિટીની રચના કરતા અધિક કલેકટર

સબ કમિટી રાઈડ્સનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યા બાદ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટને અભિપ્રાય આપશે, બાદમાં અભિપ્રાયના આધારે રાઈડ્સને મળશે મંજૂરી

મોરબી : મોરબી જિલ્લામા રાઈડ્સના પરીક્ષણ માટે અધિક જિલ્લા કલેકટર દ્વારા સબ કમિટીની રચના કરવામાં આવી છે. આ સબ કમિટી રાઈડ્સનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યા બાદ સબ ડિવિઝન મેજિસ્ટ્રેટને અભિપ્રાય આપશે, બાદમાં અભિપ્રાયના આધારે રાઈડ્સને મંજૂરી આપવામાં આવશે.

તાજેતરમાં અમદાવાદના કાકરિયામા સર્જાયેલી રાઈડ્સની દુર્ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયું છે. જન્માષ્ટમીના લોકમેળામાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર હાલ વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. જે સંદર્ભે મોરબી જિલ્લા અધિક કલેકટરે માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જીનીયરની અધ્યક્ષતામાં સબ કમિટીની રચના કરી છે.

આ કમિટીના અધ્યક્ષ પદે કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ તેમજ સભ્ય પદે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર અને ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટીના નાયબ નિયામકની નિમણૂક કરવામાં આવી છે.

  1. આ સબ કમિટી રાઈડ્સ ચાલવા માટે નિયત થયેલ શરતોનો અમલ થાય છે કે કેમ તે બાબતે ધ્યાને લઈને રાઈડ્સનું નિરીક્ષણ અને પરીક્ષણની કામગીરી પૂર્ણ કરી રાઈડ્સ ચાલુ રાખવા કે ચાલુ કરવાપાત્ર છે કે નહીં તે અંગેનો અભિપ્રાય સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને જિલ્લા મેજિસ્ટ્રેટને આપશે.