સમગ્ર મોરબી પાણી-પાણી : છેવાડાના વિસ્તારની સોસાયટીઓ બેટમાં ફેરવાઈ

- text


પાણીના કુદરતી નિકલના રસ્તા અવરોધતા ઢીંચણ સમા પાણી ભરાયા : ઘરો-દુકાનોમાં પાણી ઘૂસવાની ફરિયાદો ઉઠી

મોરબી : પાછલા 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર મોરબી પાણી વચ્ચે હિલોળા લઈ રહ્યું છે. એક તરફ લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ વરસાદી પાણીના ભરાવાને કારણે લોકોની હાલાકીમાં વધારો થયો છે. પાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી વરસાદી પાણીમાં તણાઈ ગઈ છે. તંત્રની બેદરકારી આ માટે જવાબદાર છે.

મોરબી વિસ્તારમાં પાછલા 24 કલાક દરમ્યાન 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબ્કયો છે. અને હજુ પણ વરસાદ ચાલુ છે ત્યારે મોરબીના ખાસ કરીને છેવાડાના વિસ્તારો કે જ્યાં ડેવલોપમેન્ટના નામે નવા-નવા બાંધકામો થયા છે અને હજુ પણ થઈ રહ્યા છે ત્યાં ગોંઠણડૂબ પાણી ભરાઈ જતા સ્થાનિકોનું રોજીંદુ જનજીવન પ્રભાવિત થયું છે. વાહનોની આવન-જાવન અટકી ગઈ છે. ચાલીને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મોરબીની આજુબાજુના અમુક ડેમોમાં પાણીની ધીંગી આવક થઈ છે. ત્યારે મોરબી શહેરની હાલત પાણીના ભરાવાથી કફોડી બની ગઈ છે.

નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘર દુકાનોમાં પાણી ઘુસી જવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને માધાપર, મહેન્દ્રપરા, કેનાલ રોડ, લીલાપર રોડ, રવાપર રોડની તમામ સોસાયટીઓ, શનાળા રોડની પાછળની સોસાયટીઓ,
બાયપાસરોડની સોસાયટીઓ અને મહેન્દ્રનગર ચોકડી પાસેના વિસ્તારમાં પાણી ભરાવવાની ગંભીર સમસ્યા ઉભી થઇ છે. જ્યાં જુવો ત્યાં ચારેકોર પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. વરસાદી પાણીના કુદરતી નિકલના રસ્તાઓ આડેધડ બાંધકામને કારણે અવરોધતા પાણીના નિકાલના તમામ માર્ગો બંધ થઈ જતા આ સમસ્યા સર્જાઈ છે. સોસાયટીઓ જળમગ્ન બની જતા લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. વરસાદ હજુ ચાલુ જ છે ત્યારે આજે સાંજ સુધીમાં સ્થિતિ વધુ ગંભીર બને એવી આશંકા સેવાઇ રહી છે.

મોરબી પાલિકા તંત્ર પ્રિમોન્સૂન કામગીરીમાં તો ઉણું ઉતર્યું જ છે પણ હાલમાં વરસાદી પાણીના નિકાલ માટે પણ અસમર્થ હોય તેવું જણાઈ રહ્યું છે. હોકળા અને નાળાઓનો કચરો ઉપાડવામાં કે ગટરની સફાઈ પર ધ્યાન ન અપાતા આ વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. જો કે આ સમસ્યા માટે સ્થાનિકો પણ જવાબદાર છે. જ્યાં ત્યાં કચરો ફેંકીને કે પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપીયોગ કરવાથી ગટરો જામ થઈ જવાની સમસ્યા સર્જાઈ છે. ચાલુ વરસાદે આ જળ જમાવની સેંકડો ફરિયાદો પાલિકાને મળી રહી છે. ત્યારે તંત્ર કદાચ વરસાદ રહી જવાની રાહ જોતું હોય એમ જળ જમાવ દૂર કરવા માટે હજુ ગ્રાઉન્ડમાં નીકળ્યા નથી ત્યારે મોરબીની જનતા હાલતો ભગવાન ભરોસે હોય તેવું જણાઈ રહ્યું છે.

- text

- text