મોરબીમાં મહિલાઓએ પાણી પ્રશ્ને પાલિકામાં માટલા ફોડી પ્રમુખનો ઘેરાવ કર્યો

- text


જવાબદાર અધિકારીઓની અનુપસ્થિતિથી છંછેડાયેલી મહિલાઓએ પાલિકામાં ડેરો જમાવી સૂત્રોચાર કરી માટલા ફોડ્યા : પાલિકા પ્રમુખ આવતા તેમનો ઘેરાવ કરી મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીની અવધ સોસાયટી સહિતના વિસ્તારોમાં પીવાના પાણી વાંકે ત્રસ્ત થયેલી 100થી વધુ મહિલાઓના ટોળાએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી પાલિકાને ઘેરાવ કર્યો હતો. અને સાથે લાવેલા માટલા ફોડીની ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે મોડેથી પાલિકા પ્રમુખ આવતા મહિલાઓએ તેમનો ઘેરાવ કરી ધક્કે ચડાવતા થોડી વાર માટે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.

પાણી પ્રશ્ને રજુઆત કરવા ટોળા સ્વરૂપે ઘસી ગયેલી મહિલાઓને કોઈ જવાબદાર અધિકારીઓ ન મળતા મહિલાઓ છંછેડાઇ હતી. પાલિકાની હાય હાય બોલાવી મહિલાઓએ વાતાવરણ ગજવી દીધું હતું. અને કચેરીમાં ખાલી પાણીના માટલા ફોડી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાંથી નાગરિકો જ્યારે સામુહિક સ્વરૂપે કોઈ પ્રશ્નોની રજુઆત કરવા ઘસી જાય છે ત્યારે જવાબદાર અધિકારીઓ છન્નન થઈ જાય છે. ત્યારે રજુઆતકર્તાઓ ના છૂટકે અન્ય વર્ગના કર્મચારીઓને આવેદન આપી વીલા મોંએ પરત ફરે છે. ત્યારે જવાબદાર અધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારી નગરજનોને જે તે સમસ્યાનું નિવારણ આપવા મુઠ્ઠીઓ વાળવાને બદલે લોકોનો સામનો કરવાની હિંમત દાખવવી જોઈએ એવી ચર્ચા પાલિકામાં રજુઆત કરવા આવેલી મહિલાઓમાં થતી જોવા મળી હતી. આ લખાય છે ત્યારે હજુ પણ મહિલાઓ ઉગ્ર સ્વરૂપે પાણી પ્રશ્ને નિરાકરણ ન આવે ત્યાં સુધી પાલિકામાંથી ન હટવા મક્કમ છે. મહિલાઓએ રણચંડીનું રૂપ ધારણ કરી જ્યાં સુધી જ્યાં સુધી તેમનો પાણીનો પ્રશ્ન હાલના થાય ત્યાં સુધી પાલિકામાં બેસી ઉગ્ર સુત્રોચ્ચારો ચાલુ રાખ્યા હતા.

- text

જયારે અવધ ચાર સોસાયટી સિવાય સોમવારે પાણી પ્રશ્ને રજુઆત કરવા આવેલી શ્રીજી સોયાયટીની મહિલાઓ પણ તેમનો પ્રશ્ન હજુ સુધી હલના થતા તેઓ પણ રજુઆત કરવા પાલિકાએ દોડી આવ્યા હતા. આમ અવધ સોસાયટી સિવાય બીજા વિસ્તારોની મહિલાઓ પણ પોતાના વિસ્તારની પાણી, ગટર, રસ્તા સહિતની સમસ્યાઓને લઈને પાલિકામાં પહોંચતા વાતાવરણ ઉગ્ર બન્યું છે.

જ્યારે મહિલાના વિરોધ પ્રદર્શનની વચ્ચે પાલિકા પ્રમુખ કેતન વિરપરા પાલિકા કચેરીએ આવતા જ આક્રોશીત મહીલાઓએ પાલિકા પ્રમુખને રોકીને ઉગ્ર સુત્રોચાર કરી એમને ધક્કે ચડાવવાનો પ્રયાસ કરતા વાતાવરણ વધુ ઉગ્ર બની ગયું હતું. અને પાલિકા પ્રમુખે ઓફિસમાં મહિલાઓને બોલાવી તેમની રજુઆત અને પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી યોગ્ય પગલાં ભરવાની બાંહેધરી આપી મહિલાનો રોષ શાંત પડવાના પ્રયાસો કર્યા હતા.

ત્યારે આજે મહિલાઓની રજુઆતનું નિરાકરણ આવે છે કે પાણી પ્રશ્ને પાલિકા લોલીપોપ આપે છે તે જોવુ રહ્યું.

નવા બનતા એપાર્ટમેન્ટ માટે મોટી લાઈન લેવાતા અન્યો માટે સર્જાઈ સમસ્યા

પાલિકા પ્રમુખના વોર્ડમાં નવા બનતા એપાર્ટમેન્ટમાં પાણીની મોટી લાઈન લઈ લેવાતા અન્ય લોકોને મળતા પાણી પુરવઠામાં ઓછા દબાણને કારણે કાપ આવી ગયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. દરેક પ્રકારના વેરા સમયસર ભરવા છતાં એકને ગોળ અને બીજાને ખોળ જેવા મનસ્વી વ્યવહારને કારણે સ્થાનિકો રોષે ભરાયા છે. નવા બનતા એપાર્ટમેન્ટમાં કોના દોરી સંચારથી મોટી લાઈન નાખવામાં આવી અને તેમાં કોનું હિત સંકળાયેલું છે તેની તપાસ કરવાની ઉગ્ર માંગણી ઉઠી રહી છે.

- text