ઉમા ટાઉનશીપમાં બંધક બનાવી રૂ. 8 લાખની લૂંટ ચલાવનાર નેપાળી કર્મચારી જ નીકળ્યા : ચારની ધરપકડ

- text


મોરબી બી ડિવિઝન પોલીસે એક આરોપીને મુંબઈથી દબોચ્યો, લૂંટ થયેલી રૂ. 8માંથી રૂ. 3 લાખની રોકડ રિકવર : હજુ બે આરોપીઓ ફરાર
મોરબી : મોરબીમા એક યુવકને બાંધીને રૂ. 8 લાખની લૂંટ ચલાવવામાં ચકચારી પ્રકરણને ઉકેલવામાં બી ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે. આ ગુનાને અંજામ આપનાર સાઈટના કર્મચારી જ નીકળ્યા છે. પોલીસે આ કામના ચાર આરોપીઓને પકડી પાડી રૂ. 8 લાખ માંથી રૂ.3 લાખની રકમ રિકવર કરી છે. જ્યારે હજુ ફરાર રહેલા બે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની ઉમા ટાઉનશિપમા વિનાયક એ એપાર્ટમેન્ટમા પહેલા માળે ફ્લેટ નંબર 102મા વૈભવ તથા રોયલ હાઇટસ નામની ઓફિસમાં શૈલેષભાઇ શાંતિલાલ મણીયારને બાંધીને અજાણ્યા શખ્સો રૂ. 8 લાખની રોકડ ભરેલો થેલો ઉઠાવી ગયા હતા. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસમા ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી હતી.

આ ગુનાનો ભેદ પોલીસે સીસીટીવી ફુટેજના આઘારે ઉકેલીને સાઈટના જ કર્મચારી વિક્રમ પ્રકાશ કામી, ગણેશ જગત જોશી, નમરાજ ધનરાજ મેરસિંગને પકડી પાડ્યા હતા. બાદમાં પોલીસે આ ચારેય શખ્સની પૂછપરછ કરતા
તેઓએ અન્ય ત્રણ આરોપીના નામ આપ્યા હતા. જેના આઘારે પોલીસે મુંબઇ જઈને રમેશ ઉર્ફે પપ્પુ મોતિબહાદૂર સાહિને પકડી પાડી તેની પાસેથી રૂ. 8 લાખમાંથી રૂ.3 લાખની રોકડ રિકવર કરી લીધી છે.

- text

આમ પોલીસે કુલ ચાર આરોપીઓને પકડી પાડી આગળની તપાસ આદરી છે. આ કામના અન્ય બે આરોપીઓ બીરેન્દર માનબહાદુર માંઝી તેમજ રોશન પદમ સાહિ ફરાર હોય તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં ફરાર આરોપી રોશન પદમ સાહિ અગાઉ મુંબઈમાં ઘરફોડ ચોરી, લૂંટ સહિતના 6 ગુનામાં પકડાયેલ છે. તેમજ આ ગુનામા જેલવાસ પણ ભોગવેલ છે.

હાલના સમયમાં પરપ્રાંતીયો દ્વારા ગુના આચરવામાં આવ્યા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે નિયમ મુજબ પોતાને ત્યાં કામ કરતા પરપ્રાંતીય લોકોની વિગત ફરજીયાત પણે પોલીસ મથકે નોંધાવવાની હોય છે. તેમ છતાં મોટાભાગના લોકો આવું કરતા નથી. આવા સમયે જો કોઈ ગુનો પરપ્રાંતીય દ્વારા આચરવામાં આવતો હોય છે. તો તેની ઓળખ મેળવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવી પડતી હોય છે.

- text