મોરબી : BAPS મંદિર શિલાન્યાસ ઉપક્રમે વિવિધ વ્યસનમુક્તિ અને રાષ્ટ્ર અસ્મિતાના પ્રદર્શન ખંડો બન્યા આકર્ષણનું કેન્દ્ર

- text


હરિભક્તો હરિકૃષ્ણ મહારાજની રજતતુલામાં જોડાયા – કાલે રવિવારે સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કરીએ મંદિર ઉમંગે’

મોરબી : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મોરબી મંદિર શિલાન્યાસ મહોત્સવ ઉપક્રમે છેલ્લા ૫ દિવસ દરમ્યાન વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજને પ્રેરણાઓ અપાઈ રહી છે.

સમાજસેવાની ભાગીરથી સમા આ ઉત્સવમાં સમાજને સાચું જીવન જીવવાની પ્રેરણા મળે તથા લોકોના જીવનમાં ઉન્નત ગુણોનું સિંચન થાય તથા સર્વાંગી વિકાસ થાય એ હેતુથી પ્રદર્શન ખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ પ્રદર્શન ખંડોનો મોરબી શહેરની વિવિધ ૧૩ શાળાઓના કુલ ૨૫૦૦થી અધિક વિદ્યાર્થીઓ તથા અનેક ભક્તો-ભાવિકોએ લાભ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કરી પ્રેરણા પ્રાપ્ત કરી છે. સાથે સાથે ‘બ્લડ ડોનેશન’ કેમ્પની પણ શરૂઆત કરવામાં આવી છે જેમાં ભક્તો-ભાવિકો જોડાઈ રહ્યા છે. આવતીકાલ સાંજ સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલશે.

લોકોનું જીવન વ્યસનમુક્ત અને પ્રેરણાદાયી બને તેવી પ્રેરણા આપતો ખંડ એટલે ‘મુક્તાનંદ’. માણસનું જીવન કઈ રીતે નીરોગી બને એવો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન ખંડમાં એક સત્ય ઘટના પર આધારીત ટૂંકી ફિલ્મ દ્વારા બાળકો તથા યુવાનોને વ્યસન ન કરવાની અને બીજાને વ્યસન છોડાવવાની પ્રેરણા આપવામાં આવે છે.

ભારતીય અસ્મિતાને જાગ્રત કરતો પ્રેરણાત્મક ખંડ એટલે ‘ભારતાનંદ’. જેમાં પ્રત્યેક ભારતીય નાગરિકની ભારત પ્રત્યેની જવાબદારીને ખૂબ જ પ્રોત્સાહક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ ખંડમાં ભારત પ્રત્યેની જવાબદારીથી સભાન કરતા ત્રણ મુદાને આવરી લેવાયા છે. ૧. ભારત દેશની સ્વચ્છતા, ૨. ભારતના લોકોની સલામતી, ૩. ભારતના લોકો માટે સુવિધા. આ ત્રણેય બાબતોને બાળકો, યુવાનો અને વડીલો તમામ ખૂબ જ સરળતાથી સમજી શકે તેવી રસાળ શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ ખંડની પ્રસ્તુતિ વિશાળ પડદાની સાથે સાથે સંવાદત્મક રીતે થાય છે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના મોરબીમાં રોકાણ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આજના દિવસે હરિભક્તોના ભાવ પુરા કરવા માટે મહંતસ્વામી મહારાજના પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજની રજતતુલા કરવામાં આવી હતી. આજે સાયં સભામાં ઉપસ્થિત સર્વે ભક્તો-ભાવિકોને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સમીપ દર્શનનો લાભ આપ્યો હતો. આવતીકાલે રવિવારે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સાંજે ૭ થી ૯:૩૦ દરમ્યાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘કરીએ મંદિર ઉમંગે’ રાજકોટના યુવાનો દ્વારા રજૂ કરવામાં આવશે જેમાં મંદિરની સમાજને જરૂરીયાત એ વિષયની પ્રસ્તુતિ વિવિધ માધ્યમો દ્વારા કરવામાં આવશે.

- text

- text