મોરબીમાં સાડીના દુકાનમાંથી ભરબપોરે રૂ.38 હજારની ચોરી

દુકાનના ઉપરના માળે રહેતા માલિક જમવા ગયા એટલી વારમાં તસ્કરો કળા કરી ગયા

મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ સાડીના દુકાન માંથી તસ્કરો ગઈકાલે ભરબપોરે રૂ.38 હજારની ચોરી કરી ગયા હતા.દુકાનદાર પોતાની દુકાનના ઉપરના માળે આવેલા મકાનમાં જમવા ગયા હતા.એટલીજ વારમાં તસ્કરો દુકાનનું તાળું તોડીને ચોરીના બનાવને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.

ભરચકક વિસ્તારમાં દિન દહાડે બનેલી આ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડની શક્તિ સોસાયટી હાઉસિંગ બોર્ડ પાસે આવેલ આવકાર સાડીની દુકાનને ગઈકાલે બપોરે તસ્કરોએ નિશાન બનાવી હતી.આ સાડીની દુકાનના મલિક પોતાની દુકાનના ઉપરના માળે રહે છે.આથી ગઈકાલે બપોરના સમયે તેઓ નિત્યક્રમ મુજબ દુકાનને તાળું મારીને ઉપરના માળે જમવા ગયા હતા.એટલીવારમાં તસ્કરોએ ખેલ પાડી દીધો હતો.તસ્કરોએ તેમની દુકાનનું તાળું તોડી અંદર પ્રવેશી ટેબલના ખાનામાં રાખેલા રૂ.38 હજારની ચોરી કરીને આંખના પલકારામાં જ ગાયબ થઈ ગયા હતા.થોડીવારમાં દુકાન માલિક જમીને નીચે આવ્યા ત્યારે તેમને પોતની દુકાનમાં ચોરી થયાની જાણ થઈ હતી.આ ચોરીના ઘટના પરથી એક વાત સ્પષ્ટ છે કે, આ બનાવ પ્રિપ્લાન હતો અને દુકાન માલિક જમવા જાય એની કદાચ તસ્કરો ગુપચુપ રીતે રાહ જોતા બેઠા હશે જેવા દુકાન મલિક ઉપર ગયા કે તરત જ તસ્કરોએ કળા કરી નાખી હશે.