ચાઇનામા ફ્લાઈટનું ભેદી રીતે ૧૪ કલાકનું રોકાણ : મોરબીનો યુવક સહિત ૧૩૦ જેટલા ભારતીયો ફસાયા

- text


 

હોંગકોંગથી ટેકઓફ થયેલી ફલાઇટ અચાનક અધવચ્ચે લેન્ડ થઈ : હજુ સુધી તમામ યાત્રીઓ પ્લેનની અંદર : ક્રુ મેમ્બરોની ચુપકીદી : મોરબીના યુવાને ટેલિફોનિક વાતચીતમાં ‘ મોરબી અપડેટ ‘ સમક્ષ ઠાલવી વ્યથા

મોરબી : હોંગકોંગથી મુંબઇ આવવા માટે નીકળેલી એક ફ્લાઇટને અચાનક ચાઇનામાં લેન્ડ થઈ ગઈ છે. છેલ્લા ૧૪ કલાકથી આ ફ્લાઈટના પેસેન્જરોને પ્લેનની બહાર પણ નથી નીકળવા દેવામાં આવ્યા તેમજ અચાનક લેન્ડિંગનું કારણ પણ ક્રુ મેમ્બરો દ્વારા જણાવવામા આવ્યું નથી. જો કે આ ફ્લાઈટમાં એક મોરબીના યુવક સહિત કુલ ૧૩૦થી વધુ ભારતીયો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ કેથેય પેસિફિક એરલાઇન્સની ફલાઇટ હોંગકોંગથી મુંબઇ આવવા માટે ટેકઓફ થઈ હતી. પરંતુ આ ફ્લાઈટનું પાયલોટ દ્વારા અચાનક જ બાઓન, શેનઝેન( ચાઈના)મા લેન્ડિંગ કરી દેવામાં આવ્યું હતું. હાલ છેલ્લા ૧૪ કલાકથી પ્લેન બાઓન એરપોર્ટ ખાતે પડ્યું છે. આ ફ્લાઈટમાં મોરબીમાં રહેતા અમિત ગોસ્વામી પણ મુસાફરી કરી રહ્યા હતા. તેંમની સાથે અન્ય ૧૩૦ થી પણ વધુ ભારતીયો પ્લેનમાં છે.

ફલાઈટનું ભેદી રીતે લેન્ડિંગ કર્યા બાદ ક્રુ મેમ્બર્સ દ્વારા કોઈ પેસેન્જરોને પ્લેનની બહાર પણ જવા દેવામાં આવ્યા નથી. ઉપરાંત હજુ સુધી લેન્ડિંગનું કારણ પણ જણાવવામાં આવ્યું નથી. જો કે પેસેન્જરો અને ક્રુ મેમ્બર્સ વચ્ચે લેન્ડિંગના કારણ મુદ્દે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. પરંતુ ક્રુ મેમ્બર્સ કોઈ કારણ જણાવી રહ્યા નથી.

- text

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે ઓમ શાંતિ સ્કૂલ નજીક રહેતા અમિત ગોસ્વામીએ ‘ મોરબી અપડેટ ‘ સાથેની ટેલિફોનિક વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે છેલ્લા ૧૪ કલાકથી પ્લેનને ભેદી રીતે અહીં રોકીને રાખવામાં આવ્યું છે. કોઈને પ્લેનની બહાર પણ નીકળવા દેવામાં આવતા નથી. ઉપરાંત ક્રુ મેમ્બર્સ પણ ચોક્કસ જવાબ આપતા નથી. છેલ્લી ૧૪ કલાકથી પ્લેનના તમામ પેસેન્જરો ભૂખ્યા છે. આ પ્લેનમાં કુલ ૧૩૦ થી વધુ ભારતીયો ફસાયા છે. ત્યારે ભારત સરકાર તાત્કાલિક અસરથી કોઈ મદદ કરે તેવી અપેક્ષા છે.

- text