ગેસ પ્રેસર મામલે ઉદ્યોગકારોએ ગુજરાત ગેસની ઑફિસે અખંડ રામધૂન ચાલુ કરી

પીપળીરોડના ઉધોગકારોને ૭૨ કલાક બાદ પણ પૂરતું પ્રેસર ન મળતા આક્રોશ : ફેકટરીને તાળા મારવા પડે તેવી સ્થિતિ

મોરબી : મોરબીના પીપળીરોડ ઉપર આવેલ તમામ સિરામિક એકમોમાં છેલ્લા ૭૨ કલાકથી ગુજરાત ગેસ દ્વારા અપાતા નેચરલ ગેસનુ પ્રેશર ઘટી જતાં દૈનિક કરોડો રૂપિયાનું નુકશાન જતા રોષે ભરાયેલ ઉદ્યોગકારો દ્વારા આ લખાય છે ત્યારે એટલે કે રાત્રીના ૧૧ વાગ્યે મોરબી ગુજરાત ગેસની ઑફિસે હલ્લાબોલ કર્યું હતું પરંતુ એક પણ જવાબદાર અધિકારી હાજર ન હોય કંટાળી ગયેલા ઉદ્યોગકારો દ્વારા અખંડ રામધૂન બોલાવવા શરૂ કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ૭૨ કલાકથી મોરબીના પીપળીરોડ વિસ્તારમાં ગુજરાત ગેસ દ્વારા અપાતા નેચરલ ગેસનું પ્રેસર ઘટીને જીરો થઈ જતા આજે તમામ ઉદ્યોગકારોએ મોરબી સિરામિક એસોશિએશનના હોદ્દેદારોની આગેવાની હેઠળ ગુજરાત ગેસના નીતિન પાટીલને આધાર પુરાવા સાથે રજુઆત કરી તાકીદે સમસ્યા ઉકેલવા અને નુકશાની વળતર ચૂકવવા માંગ ઉઠાવી હતી.

જો કે કોલગેસ પ્લાન્ટ બંધ થતાં મોરબીના ઉદ્યોગકારોની મજબૂરી જાણી ગયેલ ગુજરાત ગેસના જવાબદાર અધિકારી નીતિન પાટીલે ત્રણ મહિના સુધી આ સમસ્યા નહિ ઉકેલાય તેવો રોકડો જવાબ પરખાવતા ઉદ્યોગકારોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આજે રાત્રે ૧૧ વાગ્યા બાદ તમામ ઉદ્યોગકારોએ ગુજરાત ગેસની કચેરીએ હલ્લા બોલ કર્યું હતું.

ગેસ પ્રેસર અંગે સેગમ સીરામીકના મુકેશભાઈએ જણાવ્યું હતું કે, ૭૨ કલાકમાં ત્રણ વખત પ્રેસર ઘટીને જીરો થઈ ગયું છે જેના કારણે અમારે મોટી નુકશાની સહન કરવી પડી છે જો આવી જ પરિસ્થિતિ રહે તો ઉધોગ બંધ કરવા પડે તેવી સ્થિતિ હોય ના છૂટકે અમારે ગુજરાત ગેસ કચેરી સામે રામધૂન બોલાવી અધિકારીઓની આંખ ખોલવા પ્રયાસ કર્યો છે.

ગેસનું પ્રેસર ઘટી જતાં હાલમાં સોલોગ્રેસ, સોલોસ્ટોન, સેગમ, આલ્ફાન્સો, લોરેન્સ, સ્કાયટચ, સૅનવિસ, ક્રિપ્ટોન, સ્કેજન, સિમોન્ટો, સનબોન્ડ, સેવિનો, ગ્રેનિટો, બ્લુઝોન, વોલ્કેરા, લિનોરા, વિન્ડસન, સ્ટ્રીમ, લેવીટા, લેફન્સ, લેમોરેક્સ લિવિન્ઝા, એલવી, સિયારામ, રૉટ્ટો, રોકલેન્ડ, આર્કિટન, ટોરસ, સિલવેન્ટા, ગ્રેવીટી, રોટોન, વેલકમ, ગ્રીસ અને સનમાર્ક સહિતની સિરામિક કંપનીના માલિકો હાલમાં અખંડ રામધુનમાં જોડાયા છે અને જ્યાં સુધી નેચરલ ગેસ પૂરતા પ્રેસરથી નહિ આપવામાં આવે ત્યાં સુધી નવતર પ્રકારે વિરોધ ચાલુ રાખવામાં આવનાર હોવાનું ઉદ્યોગકારોએ અંતમાં એક સુરે જણાવ્યું હતું.