મોરબીમાં ગેસ પુરવઠો ખોરવાતા સિરામિક ઉદ્યોગને કરોડોનું નુકશાન

- text


પડયા ઉપર પાટુ ! ગુજરાત ગેસ પાસે નેચરલ ગેસનો પુરવઠો ઘટતા ગઈકાલે રાત્રિથી પીપળી રોડના ૨૦થી ૨૫ સિરામિક એકમોમાં પ્રોડકશન ઠપ્પ

મોરબીમાં મોનોપોલીથી ગેસ વિતરણ કરી દાદાગીરી કરતી ગુજરાત ગેસ કંપનીનો વિકલ્પ માંગતા ઉધોગપતિઓ

મોરબી : વિશ્વ પ્રસિદ્ધ મોરબીનો સિરામિક ઉદ્યોગ સરકારને વર્ષે દહાડે અબજોનું વિદેશી હૂંડિયામણ રડી આપવાની સાથે – સાથે લાખો લોકોને રોજગારી આપતો હોવા છતાં ગુજરાત સરકારની જ ગેસ કંપનીની દાદાગીરી અને લાપરવાહીને કારણે આજે સિરામિક ઉદ્યોગને કરોડોનું નુકશાન સહન કરવું પડ્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે, ગઈકાલે રાત્રિથી મોરબીના પીપળીરોડ આવેલ અંદાજે ૨૫થી વધુ ફેકટરીઓમાં ગુજરાત ગેસ દ્વારા અપાતા નેચરલ ગેસનું પ્રેસર તળિયે બેસી જતા ઉક્ત તમામ ફેક્ટરીઓમાં પ્રોડક્શન ઠપ્પ થવાની સાથે કિલનમાં પડેલ લાખો રૂપિયાની ટાઇલ્સ ડેમેજ થઈ ગઈ હોવાનું ઉદ્યોગકારો રોષ ભેર જણાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સીરામીક ઉદ્યોગમાં અત્યાર સુધી કોલગેસ અને નેચરલ ગેસ એમ બે વિકલ્પોથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ચાલતી હતી જેમાં એનજીટીના આદેશ બાદ કોલગેસ પ્લાન્ટ બંધ થતાં નેચરલ ગેસની માંગમાં જબરો વધારો થયો છે તો બીજી તરફ જોઈએ તેટલો ગેસ પૂરો પડવાનું વચન આપનાર ગુજરાત ગેસ કંપનીનો પન્નો અત્યારઘી જ ટૂંકો પડવા લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત ગેસ કંપની પાસે હાલમાં પુરવઠો ઘટી ગયાની વાતો વચ્ચે ગઈકાલે રાત્રિથી મોરબીના પીપળી રોડ વિસ્તારમાં અચાનક જ ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતા ગેસનું પ્રેસર ઘટી જતાં ૨૫થી વધુ ફેકટરીમાં હાલમાં પ્રોડક્શન ઠપ્પ થઈ ગયું છે અને કિલનમાં ગયેલ ટાઇલ્સ ટેમ્પરેચરને અભાવે ડેમેજ થઈ જવા પામી છે.

બીજી તરફ ગુજરાત ગેસના પાપે વિનાકારણે સિરામિક ઉધોગને કરોડોની નુકશાની સહન કરવાનો વારો આવતા હાલમાં મોરબીના પીપળી રોડ ઉપર તમામ ઉદ્યોગકારોની તાકીદની બેઠક યોજાઇ છે, ટોરસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડના જીગરભાઈ પટેલના જણાવ્યા મુજબ ગેસ પુરવઠો ખોરવાઈ જતા પ્રત્યેક યુનિટને દસ લાખથી વધુનું નુકશાન સહન કરવું પડ્યું છે અને હજુ એમને એમ પરિસ્થિતિ રહે તો પારાવાર નુકશાન સહન કરવું પડશે.

- text

ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ કંપનીની લાપરવાહીને કારણે આજે ટોરસ ટાઇલ્સ, આલ્ફાન્ઝો સીરામીક, સિલવેન્ટા, ગ્રેવીટી, લિવેંન્ઝા, લિઝાર્ટ, રોટા, લોરેન્સ, લકસવીર, વોલશેરા, લોરીયન, લેવિટા, લેમોરૅક્સ, લેમસ્ટોન, લોવીન, સીમાંટો, ગ્રીસ, સેનવીસ, સેગમ, સોલોગ્રેસ અને સિયારામ સહિતની સિરામિક ફેકટરીમાં તૈયાર ટાઇલ્સ બગડી જવાની સાથે પ્રોડક્શન ઠપ્પ થઈ જતા શ્રમિકો બેકાર બન્યા છે.

દરમિયાન આ મામલે મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ મુકેશ ઉઘરેજાએ જણાવ્યું હતું કે કોલગેસ પ્લાન્ટ બંધ કરવા આદેશ થયો એ સમયે ગુજરાત ગેસ દ્વારા કોલગેસ પ્લાન્ટથી ચાલતી ૪૦૦ જેટલી ફેકટરીઓને ઓન ડિમાન્ડ નેચરલ ગેસ પૂરો પાડવા ગુજરાત ગેસ કંપની દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને હજુ તો નવા યુનિટો વધ્યા નથી ત્યાં જ ગુજરાત ગેસ કંપની દ્વારા ધાંધિયા શરૂ કરવામાં આવતા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો હોવાનું જણાવી આ પ્રશ્ને સરકાર અને ગુજરાત ગેસના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવનાર હોવાનું તેમને જણાવ્યું હતું.

વધુમાં પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજાએ ઉમેર્યું હતું કે મોરબીના વિશાળ સિરામિક ઉદ્યોગને ગેસ સપ્લાય કરવામાં ગુજરાત ગેસ કંપની ટૂંકી પડી રહી છે અને આમ પણ એકચક્રી શાસન ચલાવતી ગુજરાત ગેસ કંપની સામે હરીફ કંપનીને મોરબીમાં ગેસ સપ્લાય માટે મંજૂરી આપવા પણ ગુજરાત અને કેન્દ્ર સરકારમાં મોરબી સિરામિક ઉદ્યોગ રજુઆત કરી સત્વરે નવી કંપનીને મોરબીમાં મેદાને લાવવા માંગ કરવામાં આવનાર હોવાનું અંતમાં ઉમેર્યું હતું.

- text