માળિયાના જાજાસર ગામે મીઠા માફિયા સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને રજુઆત

- text


ગેરકાયદે ઉચા પાળા બાંધ્યા હોવાથી પાણીનો નિકાલ અટક્યો , વધુ વરસાદ થાય કે ડેમમાંથી પાણી છોડાઈ તો ગામમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થશે

માળિયા : માળિયાના જાજાસર ગામે મીઠા માફિયાઓએ પોતાના વ્યવસાય માટે ગેરકાયદે ઉચા પાળા બાંધી દેતા ડેમનુ પાણી દરિયા જવાના બદલે ખેતરોમાં તેમજ ગામમાં ઘુસી જવાથી ખેડૂતો તેમજ ગ્રામજનોને હાલાકી પડી રહી છે. આ મામલે સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરીને યોગ્ય કરવાની માંગ ઉઠાવી છે.

માળિયા શહેર ભાજપ મહામંત્રી તેમજ પાલિકાના કાઉન્સીલર આમીન ભટ્ટીએ જિલ્લા કલેકટરને રજુઆતમાં જણાવ્યું હતું કે માળીયા મિયાણાતાલુકાના જાજાસર ગામની ઉપર બાજુ મીઠા ઉત્પાદન માટે ૧૦ એકરથી માંડી પ૦૦ એકર સુધી જે જમીન સરકાર તરફથી મંજુર કરવામાં આવેલ છે. દરીયાની ક્રિકના પાણીના નિકાલ માટે કુલ ૧ થી ૪ ચેક ડેમો સરકાર તરફથી બાંધવામાં આવેલ છે જેના મારફતે દરિયાનું ખારૂ પાણી જાજાસર ગામની દક્ષિણે આવેલ ખેતીની જમીનને નુકશાન ન પહોંચાડે તે હેતુથી જે તે વખતે સરકાર દ્વારા બનાવવામા આવ્યા હતા.

- text

જો કે મીઠા માફિયાઓએ ગેરકાયદે વધુ ઊંચાઈ વાળા પાળા બનાવ્યા છે. જેના કારણે વર્ષ ૨૦૧૭માં મચ્છુ નદીનું પાણી ગામના ઘરો તેમજ ખેતીની જમીનમાં ભરાઈ ગયું હતું. આ ગેરકાયદે અને મીઠાની ઓસરી પ્લાન્ટ શ્રીરામ સોલ્ટના માલીક બાબુભાઈ ભીમાભાઇનું છે. માળીયા(મી) મામલતદાર દ્વારા રોજકામ કરીને આ પ્રવૃતિને ગેરકાયદેસર જાહેર કરી અને માનવ જીવને જોખમી છે એવુ ઠેરવેલ હતું. આ સાથે નોટીસ મારફત સુચના પણ આપેલ હતી. પરંતુ આ મીઠા માફીયાને જાણે સરકારની જરાય બીક ના હોય અને માનવ જીવની કોઇ કિંમત ન હોય એમ આ ગેરકાયદેસર મીઠા ઉત્પાદનની પ્રવુતી ચાલુ રાખવામાં આવેલ છે. આવનારા સમયમાં ફરી ચોમાસુ આવશે. જો વધુ વરસાદ થશે કે ડેમમાંથી પાણી છોડાશે તો વિસ્તારમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થશે. માટે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

- text