માળિયામા ઇન્દોરના ધંધાર્થી સાથે રૂ. ૬૯ હજારની છેતરપીંડી : પાંચ સામે ફરિયાદ

 

માળિયા : માળિયામા ટાયરના એડવાન્સ રૂપિયા અને તેના ભાડા પેટે ચૂકવેલા રૂ. ૬૯ હજાર ઓળવી જઈને ટ્રક ડ્રાઇવર સહિતના પાંચ શખ્સોએ ઇન્દોરના ધંધાર્થી સાથે છેતરપીંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા ધંધાર્થી ગુલામમહોમદ અબ્દુલમસ્જિદ શેખે માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ટ્રક નંબર આરજે ૪૬ જીએ ૧૧૪૨ના ડ્રાઇવર ગંગારામ, તેના ભાઈ તેમજ સ્વીફ્ટ કારમાં આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ મળીને ટાયરના એડવાન્સ પેટે રૂ. ૪૪,૧૦૦, ભાડા અને ડીઝલ પેટે રૂ. ૨૫ હજાર મળીને કુલ રૂ. ૬૯,૧૦૦ ઓળવી જઈને ટ્રકને ફાયનાન્સ વાળા માળીયા નજીકથી ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું હતું.

આ મામલે ઇન્દોરના ધંધાર્થીની ફરિયાદના આધારે માળિયા પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.