મોરબીના માળિયા વનાળિયામા ફરી બઘડાટી : ૪ ઘાયલ, ૧૧ સામે નોંધાતો ગુનો

- text


ફરિયાદી પક્ષનું કલેકટરને આવેદન : અગાઉ પણ ઝઘડો થયા બાદ બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ ‘તી

 

મોરબી : મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં ફરી બઘડાટી બોલતા ૪ લોકો ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. બન્ને પક્ષો વચ્ચે અગાઉ પણ માથાકૂટ થતા સામસામી ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આ વખતે ફરિયાદી પક્ષે જિલ્લા કલેકટરને આવેદન પાઠવવાની સાથે પોલીસ મથકે ફરિયાદ પણ કરી હતી. ત્યારે પોલીસે ૧૧ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં રહેતા નાગલબેન જયંતીભાઈ શ્રીમાળીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પરિવારને સામા પક્ષ સાથે અગાઉ પણ માથાકૂટ થઈ હતી જે સમયે બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. તેનો ખાર રાખીને રાતના સમયે ૧૧ ઈસમોએ ટોળા રૂપે ધસી આવીને તેઓના પરિવાર પર તલવાર, છરી, પાઇપ અને લાકડી સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓને તેમજ પ્રેમીલાબેન, ગંગાબેન, નટવરભાઈ અને લક્ષ્મણભાઈને ઇજાઓ પહોંચી હતી.

 

નાગલબેનની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે રમેશ જેઠાભાઈ ચાવડા, ગંગાબેન મનજીભાઈ, મણીબેન ચાવડા, લાભુ સવજીભાઈ, સવજી ચાવડા, ભરત ડાયાભાઈ, દાના જેઠાભાઇ, પિયુષ મિતેશભાઈ, ચોટી ઉર્ફે ગૌતમભાઈ તેમજ બે અજાણી સ્ત્રી અને બે અજાણ્યા પુરુષો મળી કુલ ૧૧ ઈસમો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ સાથે ફરિયાદીએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને એવી રજુઆત પણ કરી હતી કે રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં ટોળાએ શસ્ત્રો સાથે હુમલો કરીને સોસાયટીમાં સળગતા લાકડા ફેંક્યા હતા. આ ટોળું તેઓને અહીં રહેવા દેવા માંગતું નથી. જેથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે. તો સુરક્ષાની તેમજ રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text