વાહ.. રે મોરબી : શહીદોના પરિવારોને ઓરપેટ ગ્રૂપ દ્વારા રૂ. ૪૪ લાખની સહાય

ઓરપેટ ગ્રૂપના ૩ હજાર કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર રૂ. ૧૫ લાખ સહાયમાં આપશે

મોરબી : પુલવામાં આતંકી હુમલાના શહીદોના પરિવારને કોઈ તકલીફ ન પડે તે માટે મોરબીમાંથી ઉદ્યોગપતિઓ દ્વારા સહાયનો ધોધ વહી રહ્યો છે. તેમાં વધુ એક ખ્યાતનામ એકમ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. શહીદો માટે ઓરપેટ ગ્રૂપ દ્વારા કુલ રૂ. ૪૪ લાખની સહાય આપવામાં આવનાર છે. સાથે સ્ટાફ પણ એલ દિવસનો પગાર સહાયમા આપીને રૂ. ૧૫ લાખની મદદ કરશે.

કાશ્મીર પુલવામા જિલ્લા ખાતે ર૫૦૦ સીઆરપીએફ જવાનોની બટાલિયન પસાર થતી હતી.ત્યારે આતંકવાદીઑ દ્વારા પૂર્વ આયોજિત ધાતકી અને દર્દનાક હુમલો થતાં ૪૪ જવાનો શહીદ થયા અને અસંખ્ય ગંભીર ઘાયલ થયા છે. ઘટનાના પગલે દેશે પોતાના વીર સપૂતો ખોયા છે તો સાથોસાથ ૪૪ પરિવારના આધાર પણ છીનવાયા છે. શહીદોની અચાનક વિદાયથી તેઓના પરીવાર પર જાણે આભ તૂટ્યું હોય તેવું સંકટ આવી પડ્યું છે.

આવા કપરા સમયે શહીદોના પરિવારની તકલીફો થોડા અંશે દૂર થાય તેવા આશયથી મોરબીના ઉદ્યોગપતિઓ તેઓના લાભાર્થે ફાળો એકત્ર કરી રહ્યા છે. જેમાં ઉદ્યોગપતિઓ ઉદાર હાથે અનુદાન આપી રહ્યા છે. તેવામાં મોરબીના જાણીતા ઓરપેટ ગ્રૂપ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે શહીદોના પરિવારોને આગળ આવીને રૂ.૪૪ લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી છે.

આ સાથે ઓરપેટ ગ્રૂપના ૩ હજાર કર્મચારીઓએ પણ પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. ઓરપેટ ગ્રુપમાં કામ કરતા કર્મચારીઓ એક દિવસ માટે શહીદોના પરિવાર માટે કામ કરીને તે દિવસનું વેતન રૂ. ૧૫ લાખ શહીદોના પરિવારને સહાય પેટે આપશે.