મોરબીમાં વધુ એક યુવાન કેનાલમાં ગરક : તંત્રના પાપે ત્રણ દિવસથી યુવાનનો પતો નથી

- text


મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલના ધસમસતા પ્રવાહમાં યુવાન લાપતા બન્યાના ૭૨ કલાક વીતવા છતાં પોલીસ કે જિલ્લા વહીવટી તંત્ર લાચાર ગરીબ પરિવારની વહારે ન આવતા બેશહારા પરિવાર પોતાના લાડકવાયાની ભાળ મેળવવા દરદરની ઠોકર ખાઈ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બબ્બે યુવાનો આ જ વિસ્તારમાં કેનાલમાં ગરક થયા બાદ ત્રણ દિવસે લાશ મળી હતી અને એ બન્ને ઘટના સમયે પણ પોલીસ, ફાયર બ્રિગેડ અને જિલ્લા કલેકટર તંત્રના ડિઝાસ્ટર મેમજમેન્ટની લાપરવાહી છાપરે ચડી હતી.

આ ચોકવનારી ઘટના અંગે જાણવા મળ્યા મુજબ મોરબીના લખધીરપુર નજીક આવેલ વેટોરા વિટ્રીફાઇડ નામના એકમમા કામ કરતા પરપ્રાંતીય યુવાન નારૂ પાસુભાઈ ડામોર ઉ.વ. ૨૨ ગત રવિવારે સવારના સમયે આજ વિસ્તારમાં આવેલી એક કેનાલમાં ગરક થઈ ગયો હતો. બનાવ બન્યાને આજે ત્રીજો દિવસ છે. તેમ છતાં યુવાનની હજી કોઈ ભાળ મળી નથી. ઉલ્લેખનીય છે કે કેનાલમાં ગરક થઈ જવાની તાજેતરમાં આ ત્રીજી ઘટના છે અને અગાઉની જેમ જ આ ઘટનામાં પણ તંત્રએ માનવતા નેવે મૂકી છે.

- text

બનાવ અંગે યુવાનના પિતા પાસુભાઈ ડામોરે જણાવ્યું હતું કે ગત રવિવારના સવારના સમયે તેનો પુત્ર કેનાલમાં ડૂબી ગયો હતો. કેનાલના કાંઠેથી તેના પુત્રની લોક મારેલી સાયકલ તેમજ ચપ્પલ પણ મળી આવ્યા હતા. આ ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવવા માટે સોમવારે પોલીસ મથકે પહોંચ્યા ત્યારે પોલીસે એવો ઉડાઉ જવાબ આપ્યો કે આજે ઉત્તરાયણની રજા છે. આવતીકાલે મંગળવારે આવજો, બાદમાં તેઓએ મંગળવારે આ બનાવ અંગેની નોંધ પોલીસ મથકે કરાવી હતો. બનાવ અંગેની જાણ થઈ હોવા છતાં તંત્રએ કોઈ નક્કર કામગીરી કરી ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

બીજી તરફ દરવખતની જેમ આ વખતે પણ ડિઝાસ્ટર મેનજમેન્ટ તંત્ર ડિઝાસ્ટર સર્જવામાં વ્યસ્ત હકી તેમ ક્યાંય પોતાની ભૂમિકામાં આગળ આવ્યું નથી કે ફાયર વિભાગ પણ ડૂબેલા યુવાનને શોધવાની તસ્દી લીધી નથી.

આ સંજોગોમાં જ્યાં સુધી કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ નહિ થાય ત્યાં સુધી ગરીબ, લાચાર પરિવારને કેનાલ વિસ્તારમાં જાત મહેનતે પોતાના લાડકવાયાને શોધવાની આશામાં આંટાફેરા કરવા સિવાય કોઈ રસ્તો બાકી ન હોવાનું સ્પષ્ટ બન્યું છે.

- text