મોરબીમાં દીકરી જન્મને ધામધૂમથી વધાવતો વસવેલીયા પરિવાર

- text


“દીકરી વ્હાલનો દરિયો” પુત્રીનો જન્મ થતા હોસ્પિટલથી ઘરે જવા નવી ગાડી ખરીદી : સમાજને રાહ ચીંધતો સરાહનીય પ્રસંગ.

મોરબી : શક્તિ સ્વરૂપા સ્ત્રી નો ભારતીય સંસ્કૃતિમાં અપરંપાર મહિમા ઋષિ, કવિઓ, લેખકો, સાહિત્યકારો તેમજ બુદ્ધિજીવીઓએ વર્ણવ્યો છે. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માની એની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભારત સહિત વિશ્વના ઇતિહાસમાં મહાન અને શક્તિશાળી મહિલાઓએ ઉદાહરણીય શાસન કર્યા છે.જે આજે પણ ઇતિહાસના સુવર્ણ પન્નાઓ પર અંકિત છે. આમ છતાં ક્યાંકને ક્યાંક સ્ત્રી દાક્ષણિય માટે સાંપ્રત સમાજ- પુરુષ પ્રધાન સમાજ હજુ માનસિક વિકલાંગતામાંથી બહાર નથી આવી શક્યો એ પણ વાસ્તવિકતા છે આ સત્ય હકીકત વચ્ચે મોરબીના વસવેલીયા પરિવારમાં દીકરીનો જન્મ થતા અમાપ ખુશીનો માહોલ છવાયો હતો અને ધામધૂમથી પુત્રી રત્નના વધામણાં કરી સમાજને નવો રાહ ચીંધવામાં આવ્યો હતો.

પ્રવર્તમાન સમયમાં દેશમાં પુરુષોની તુલનાએ સ્ત્રી જન્મદરનો રેશિયો ઘટતો જતો હોવાથી સરકાર દ્વારા સ્ત્રી ભ્રુણ હત્યાનું પ્રમાણ કમસેકમ ઓછું થાય તેવા પ્રયાસો થતા આવ્યા છે. સરકાર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓના નારા વચ્ચે સ્ત્રી સશક્તિકરણની દિશામાં પણ પ્રયાસો કરવામાં આવ્યા છે.આમ છતાં સરકારને જોઈએ એવી પરિણામલક્ષી કામગીરી હજુ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અને અલ્પશિક્ષિત સમાજમાં જોવા મળતી નથી. આ માટે અલ્પશિક્ષણ કે નિરક્ષરતા ખાસ જવાબદાર પરિબળ માનવામાં આવે છે.

પરંતુ મોરબીમાં બેટી બચાવોના સરકારી સૂત્રને મૂર્તિમંત કરતો એક સુંદર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરકારની કાગળ ઉપર ઘડાતી યોજનાઓ કરતા આ કિસ્સો વધુ પ્રમાણમાં અને સારી રીતે સ્ત્રીભ્રુણ હત્યા રોકવામાં તેમજ દીકરીઓનું સન્માન વધારવાની દિશામાં દીવાદાંડી સમાન બની રહે તેમ છે,
મોરબીના નિવૃત મામલતદાર એચ.બી.સતાણી. ચાર પુત્રીઓના પિતા છે.ચારેય દીકરીઓને ડબલ ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ આપી શિક્ષિત પરિવારોમાં પરણાવી પોતાની જવાબદારી વિશેષ રીતે નિભાવી છે જેમાં તેઓની ચોથા નંબરની દીકરી નિલમ વસવેલીયા પરિવારમાં બ્રિજેશભાઈ સાથે પરણી છે એમના ઘેર બીજી જાન્યુઆરીના રોજ પુત્રી રત્નનો જન્મ થતા વસવેલીયા પરિવારમાં હરખની હેલી છવાઈ હતી અને હોસ્પિટલમાં જન્મેલી પુત્રીને ઘેર લઈ જવાના પ્રસંગને પરિવારે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

- text

પુત્રી રત્નને આવકારવા વસવેલીયા પરિવારે પુરા ઘરને સજાવી દીકરીના ગૃહપ્રવેશ નિમિતે ફૂલોથી શણગાર કર્યો હતો એટલું જ નહીં દીકરીના પિતા બ્રિજેશભાઈને એટલો હરખ હતો કે દીકરીને નવી ગાડીમાં હોસ્પિટલેથી ઘેર લઈ જવા માટે તેમણે હોન્ડા અમેજ કાર ખરીદી સ્વગૃહે સાક્ષાત લક્ષ્મીજીની પધરામણી કરવી હતી. આ અવસરે સગા સંબંધીઓ સહિત અડોશ-પડોશમાં સૌ કોઈના મોં મીઠા કરાવી અને સમાજ માટે એક અનુકરણીય દ્રષ્ટાંત પુરુ પાડ્યું હતું.

- text