મધદરિયે ડીઝલ ચોરીનો પર્દાફાશ કરતી માળીયા પોલીસ : ૩.૩૨ લાખનું ડીઝલ જપ્ત

નવલખી બંદરે કોલસાની શિપ અને બાર્જમાંથી ડીઝલ ચોરતી ગેંગ પોલીસને જોઈ નાસી છૂટી : દસ વિરુદ્ધ ગુન્હો દાખલ

માળીયા : નવલખી બંદરે કોલસો ઠાલવવા આવતી મહાકાય શિપ અને બાર્જ, ટગ માંથી ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી લેવા આજે માળીયા પોલીસે દિલધડક ઓપરેશન કર્યું હતું, જો કે, મધદરિયે હોડીમાં બેસી ઓપરેશન કરવા ગયેલ માળીયા પોલીસને આરોપીઓ પકડવામાં હાથવેંતનું છેટું રહી ગયું હતું આમ છતાં પોલીસે ૧૦ ડિઝલચોરોની ઓળખ મેળવવામાં સફળતા મેળવી ૪૮૦૦ લીટર ચોરાઉ ડીઝલ કિ.૩.૩૨ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો.

મધદરિયે થતી ડિઝલચોરી અંગે માળીયા પોલીસ સ્ટેશનના નવલખી પોર્ટ ઓપીના પોલીસ કર્મચારીને મળેલી સચોટ બાતમીને આધારે આજે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલાની આગેવાનીમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી નવલખી બંદર નજીક જુમવાડીના દરિયામાં બોટ સાથે ટીમ ત્રાટકતા જ ડીઝલ ચોરગેંગમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે ડીઝલ ચોરો પોલીસને જોઈ મોટા શિપમાંથી ચોરેલ ૪૮૦૦ લીટર ડીઝલ કિ.૩.૩૨ લાખનો જથ્થો મૂકી બોટમાં બેસી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

બીજી તરફ માળીયા પોલીસ ટીમે ૩.૩૨ લાખના ડીઝલના જથ્થા ઉપરાંત જુમવાડી નજીક આવેલ ટાપુ જેવી વેરાન જગ્યા ઉપરથી ડીઝલ ચોરીના સાધનો, ખાલી કેરબા નંગ – ૩૧, મોટી પ્લાસ્ટિકની ટેન્ક સહિતનો મુદામાલ કબ્જે કરી ડિઝલચોરીને અંજામ આપનાર જુમવાડીમાં રહેતા ૧૦ શખ્સોની ઓળખ મેળવવામાં સફળતા મેળવી લીધી છે.

આ ચકચારી ડીઝલ ચોરી મામલે માળીયા પોલીસે ફિરોઝ જુસબ સાયેચા, ઝાકીર સાયેચા, ગુલામ જુસબ સાયેચા, નાસિર સાયેચા, હુસેન ટાંક, હસન ટાંક, મુસા ખમીશા ટાંક, ગફુર ખમીશા ટાંક, આમદ મડિયાર, રાયસંગ ઉર્ફે ડાડો માણેક, રે. તમામ જુમવાડીવાળાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસની આ સફળ કામગીરી માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલાની આગેવાની હેઠળ મહાવીરસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા, કલ્પેશભાઈ પટેલ, યુવરાજસિંહ, રાજપાલસિંહ, રમેશ રાઠોડ અને વનરાજસિંહ સાહિતના સ્ટાફે કરી હતી.