માળિયા તાલુકામાં મોટીબરાર પ્રાથમિક શાળાથી આરોગ્ય ચકાસણીનો શુભારંભ

માળીયા : શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ તા. ૨૭/૧૧/૨૦૧૮ થી તા. ૦૧/૦૨/૨૦૧૯ સુધી સમગ્ર રાજ્યમાં યોજાનાર છે. જે અંતર્ગત માળિયા તાલુકા કક્ષાના આ કાર્યક્રમનો શુભારંભ મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળાએથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માળિયા તાલુકા પંચાયત સદસ્ય ધનજીભાઈ સરડવા, મોટીબરાર ગામના સરપંચ કાનજીભાઈ ડાંગર, મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ઓફિસર ડૉ. રંગપરિયા સર, સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ઉમેશકુમાર મંડલ તથા સમગ્ર સ્ટાફ તો સાથે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

માળિયા તાલુકાના અન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ આવા જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વવાણિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મોટા દહીંસરા કન્યા શાળા ખાતે તેમજ ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ખાખરેચી પ્રાથમિક શાળામાંથી શુભારંભ કરવામાં આવ્યો હતો. માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડી.જી. બાવરવાના જણાવ્યા મુજબ આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન માળિયા તાલુકાના કુલ ૧૬૬૩૫ જેટલા બાળકોના આરોગ્યની તપાસણી કરી યોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે.