છેડતી મામલે ઠપકો આપતા હળવદના સુરવદરમાં આધેડની હત્યા

ત્રણ દિવસ પૂર્વે પુત્રીની છેડતી કરવાના બનાવામાં પોલીસ ફરિયાદ નોંધાવતા લાજવાને બદલે ગાજેલા આરોપીઓએ છરી હુલાવી દીધી

મોરબી : હળવદ તાલુકાના સુરવદર ગામે આજે પુત્રીની છેડતી કરનાર શખ્સોને ઠપકો આપનાર પટેલ આધેડની એક જ પરિવારના મહિલા સહિતના ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે અને ગંભીર ઘટના મામલે પોલીસ કાફલો સુરવદર પહોંચી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ચકચારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામેં રહેતા અશોકભાઈ મોહનભાઇ સુરાણી ઉ.48 નામના પટેલ પ્રૌઢ ઉપર આજ ગામના મનસુખ તખુ પટેલ સહિતના ત્રણ શખ્સોએ હિંસક હુમલો કરી છરી હુલાવી દેતા ગંભીર હાલતમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બપોરે સારવાર દરમિયાન અશોકભાઈનું મોત નીપજ્યું હતું.

દરમિયાન ખૂની હુમલાના પ્રયાસમાં બનાવ હત્યામાં પલટાતા નાના એવા સુરવદર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે, વધુમાં જાણવા મળ્યા મુજબ આજથી ત્રણેક દિવસ પૂર્વે મૃતક અશોકભાઈની પુત્રીની આરોપી મનસુખ તખુ દેસાઈના પુત્ર જતીને છેડતી કરતા આ મામલે મૃતક અશોકભાઈએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેનો ખાર રાખી આજે જયારે અશોકભાઈ પોતાના ઘેરેથી પાનમાવો ખાવા ભાર નીકળતા જ આરોપી મનસુખ, મનસુખની પત્ની લીલા અને પુત્ર જતીને હિંસક હુમલો કરી છરીના ઘા ઝીકી દીધા હતા.

હાલ ગંભીર ઘટનામાં મોરબી અને હળવદનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને આ મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી ત્રણેય હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.