હળવદ : યુવતી ભગાડી ગયાની શંકાએ ભલગામડાના પરિવાર પર ૧૩ શખ્સો તુટી પડયા

- text


પિતા-પુત્રના પગ ભાંગી નાખતા આરોપીઓ : એક ઝડપાયો : પોલીસ તપાસનો ધમધમાટ

હળવદ : હળવદના ભલગામડા ગામે યુવતી ભગાડી ગયાની શંકાએ ૧૩ શખ્સોએ પરિવાર પર હુમલો કરી પિતા-પુત્રના પગ ભાંગી એક પુત્રનું અપહરણ કર્યાનો બનાવ હળવદ પોલીસ મથકે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. જયારે બનાવને ગંભીરતા લઈ હળવદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસનો દોર શરૂ કર્યો છે.
પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે રહેતા બનાભાઈની દિકરીને ભગાડી ગયાની શંકાએ ફરિયાદી રમેશભાઈ મહાદેવભાઈ દેત્રોજાની વાડીએ આરોપીઓ તુફાન ગાડી લઈ ધસી ગયા બાદ રીતસરનો આતંક મચાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીના પિતા મહાદેવભાઈ સુરાભાઈ કોળી (ઉ.વ.૬૦)ના બન્ને પગ ભાંગી નાખ્યા હતા. તેમજ મહાદેવભાઈના પુત્ર કેશાભાઈના પગે ફેકચર કરી ફરિયાદી રમેશભાઈને ગાડીમાં નાખી અપહરણ કર્યાનો બનાવ સામે આવતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.
જયારે આ અંગે આજરોજ હળવદ પોલીસ મથકે રમેશભાઈ મહાદેવભાઈ દેત્રોજાએ આરોપી બનાભાઈ અણદાભાઈ શિહોરા (રહે.ભલગામડા), દિલાભાઈ અણદાભાઈ, બાબુભાઈ અણદાભાઈ, જસમતભાઈ અણદાભાઈ, ગુલાબભાઈ અણદાભાઈ, દિપાભાઈ અણદાભાઈ, જાદવભાઈ ભીખાભાઈ, જયંતી જાદવભાઈ, મુન્ના વિઠલભાઈ, ચોથાભાઈ ઈસાભાઈ (રહે. કેદારીયા), બળદેવ ભાવુભાઈ, વનરાજ ભાવુભાઈ, વિકાસ ભાવુભાઈ સહિત ૧૩ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસ દ્વારા આઈપીસી ૩ર૩, ૩રપ, પ૦૪, પ૦૬ (ર), ૩૬પ, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧ર૦ (બી) તથા જીપીએકટ કલમ ૧૩પ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આરોપી જશમત અણદાભાઈને પોલીસે ઝડપી લીધો હતો. બનાવની અંગેની વધુ તપાસ પી.આઈ. એમ.આર.સોલંકી ચલાવી રહ્યા છે.

- text

 

- text