મોરબીમાં પરપ્રાંતીયો વિષે ભડકાઉ મેસેજ ફરતા કરનાર બે શખ્સોને ઉપાડી લેતી પોલીસ

મોરબીમાં પરપ્રાંતીયો વિષે ભડકાવ મેસેજ ફરતા કરનાર બે શખ્સોને ઉપાડી લેતી પોલીસ

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે નમૂના ઓળખી કાઢી બન્ને શખ્સોની કુંડળી મોકલતા મોરબી એલસીબીએ પાનેલી અને નવી કીડી હળવદથી બે શખ્સોને ઝડપી લીધા

મોરબી : સમગ્ર રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકો સાથે મારઝુંડ અને હાંકી કાઢવાની ઘટનાઓ બની રહી છે ત્યારે મોરબી જિલ્લામાં શાંતિમાં પલીતો ચાંપવા બે અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ભડકાઉ વિડીયો મેસેજ ફરતા કરી આગ ઓકવાનું કામ કરતા હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા મોરબી પોલીસને એલર્ટ કરતા એલસીબી ટીમે બન્ને શખ્સોને ઉપાડી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હિંમતનગરના ઢુંઢર ગામે દુષ્કર્મની ઘટના બાદ રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોને નિશાન બનાવી ચોક્ક્સ ટોળીઓ દ્વારા રાજ્યની અસ્મિતા હણાઈ તેવા પ્રયાસ કરી સામાજિક સમરસતા તોડવા હીન પ્રયાસ શરૂ કરતા અનેક શ્રમિકો ગુજરાત છોડી મેડ્રી વતનચાલય ગયા છે આવા સંજોગોમાં રાજ્યનું પોલીસતંત્ર એલર્ટ બન્યું છે અને ફેસબુક, વોટ્સએપ,ટ્વીટર જેવા માધ્યમો ઉપર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.જેમાં મોરબી જિલ્લાના બે શખસો ફેસબુકમાં ભડકાઉ ભાષણોના વિડીયો વાયરલ કર્યા હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવી ગયું હતું.

બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સોની કુંડળી કાઢી મોરબી પોલીસને એલર્ટ કરતાજ હરકતમાં આવેલ એલસીબી ટીમે ભડકાઉ ભાષણ વાળો વિડીયો વાઇરલ કરી સમાજમાં વેરભાવના ફેલાવવનું કૃત્ય કરનાર મોરબી તાલુકાના પાનેલી ગામના સંદીપ ગૌતમભાઈ હડિયાળ અને હળવદ તાલુકાના નવી કીડી ગામના દેવરાજ અરજણભાઈ છીપરાંને ઉપાડી લઈ આઇટી એક્ટ સહિતની કલમો મુજબ કાનૂની કાર્યવાહી કરતા સોશિયલ મીડિયામાં અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓને ચેતી જવાનો સમય આવ્યો હોવાનું સ્પષ્ટ બન્યું છે.