માળિયાના ખેડૂતોનું ઉપવાસ આંદોલન આજે પૂર્ણ થશે : કાલે સમાપન સમારોહ

- text


કેનાલમાં પાણી દોડવા લાગ્યું : પાણી કાલે સુલતાનપુર પહોંચશે : શહીદોના નામે વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવા સંદેશો અપાશે

મોરબી : મોરબી જિલ્લામાં માળીયા બ્રાન્ચ કેનાલના ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતોએ વિરાટ રેલી યોજી ત્રણ દિવસનું ઉપવાસ આંદોલન શરૂ કરતાં ધરતીપુત્રોની લડત રંગ લાવી છે અને ખાખરેચી સુધી પાણી દોડવા લાગતા આજે સાંજે ઉપવાસ આંદોલનનો સુખાંત આવશે અને આવતીકાલે આંદોલનનું વિધિવત વૃક્ષો વાવી સમાપન થશે.

મોરબી જિલ્લાની ત્રણ બ્રાન્ચ કેનાલો પૈકી હળવદ અને મોરબીને બાદ કરતા માળીયા કેનાલમાં સિંચાઈ માટે પાણી ન પહોંચતા માળીયા કેનાલના લાભાર્થી ધરતીપુત્રો દ્વારા ખાખરેચી, ઘાટીલા, માણાબા, સુલતાનપુર સહિતના ૧૨ ગામના ખેડૂતોને સાથે રાખી સરકારને ખુલ્લી ચેતવણી આપી ત્રણ દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરતાં આ આંદોલન રંગ લાવ્યું હતું.

- text

દરમિયાન ધરતીપુત્રોના ઉપવાસ આંદોલન બાદ હરકતમાં આવેલ મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને નર્મદા નિગમના અધિકારીઓ અને જુદા – જુદા વિભાગોએ સાથે મળી નર્મદા કેનાલમાં પાણીચોરી ડામવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી ગેરકાયદે બકનળી, દેડકા, ઇલેક્ટ્રિક મોટરો દૂર કરી વીજ કનેકશન કાપી નાંખતા બ્રાન્ચ કેંનાલમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને પાણી ખાખરેચી સુધી પહોંચી ગયું છે.

દરમિયાન ઉપવાસી છાવણીના ખેડૂતોએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ખાખરેચી સુધી પુરા લેવલથી પાણી પહોંચી ગયું છે અને આવતીકાલે ટેઇલ ભાગમાં ખીરઇ અને સૂલતાનપુર સુધી પાણી પહોંચી જશે.

અંતમાં ખેડૂતોએ ઉપવાસ આંદોલન આજે સમાપ્ત કરવાની જાહેરાત કરી જિલ્લા કલેકટર સહિતના તંત્ર વાહકોનો આભાર માની આવતીકાલે સવારે શહીદોના નામે વૃક્ષારોપણ કરી ખેડૂતોને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text