મોરબીમાં અનિયમિત દોડતી બસ મુદ્દે પાસ અને વિદ્યાર્થીઓના મૌન આંદોલન બાદ મામલો થાળે પડ્યો

- text


ખાખરેચી, ઘાટીલા, કીડી, કુંભારીયા વચ્ચે દોડતી બસ મુદ્દે વિદ્યાર્થીઓ આકરે પાણીએ : અંતે એસટી તંત્ર ઝુક્યું

મોરબી : મોરબી – કીડી, કુંભારીયા, ઘાટીલા વચ્ચે દોડતી બસ કાયમી અનિયમિત ચાલતી હોવા ઉપરાંત અનેક વખત આ રૂટ કેન્સલ કરી નાખવામાં આવતી હોવાથી આજે વિદ્યાર્થીઓ અને પાસ આગેવાનો દ્વારા મોરબી એસટી ડેપોમેનેજરનો ઘેરાવ કરી સમસ્યાન ઉકેલાય ત્યાં સુધી મૌન ધારણ કરી લેતા માહોલ ગરમાયો હતો. જો કે, રાજકોટ એસટી વિભાગે તાકીદે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી લેતા મામલો થાળે પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટીકર – કીડી – રાજકોટ રૂટની બસ તેમજ ઘાટીલા, કુંભારીયા સહિતના રૂટ ઉપર એક જ સમયે બસ દોડતી હોવા ઉપરાંત અનેક વખત રૂટ કેન્સલ કરી નખવામાં આવતા હોય આજે ખાખરેચી, કુંભારીયા અને ઘાટીલા સહિતના ગામોના વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજરનો ઘેરાવ કરી મૌન ધારણ કરી લેવાયું હતું.

- text

વધુમાં આજના આંદોલનમાં મોરબી પાસ કન્વીનર મનોજ પનારા અને માળીયા પાસ કન્વીનર મહેશ પારજીયા સાહિતના આગેવાનો પણ આંદોલનમાં જોડાયા હતા અને જ્યાં સુધી પ્રશ્ન ન ઉકેલાય ત્યાં સુધી મૌન આંદોલન ચાલુ રાખી ડેપો મેનેજરને કેદ કરી લેતા આંદોલન ગરમાયુ હતું.

જો કે આ મામલે ડેપો મેનેજર દ્વારા રાજકોટ વિભાગીય નિયામકનું ધ્યાન દોરતા તુરત જ ઘાટીલા રૂટની બસના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓની અન્ય માંગણીઓ પણ સ્વીકારી લેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ પાસ આગેવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા કલાકો સુધી ચક્કાજામ કરી આંદોલન કરવામાં આવ્યું હતું છતાં પ્રશ્ન ન ઉકેલાતા આજે પુનઃ આંદોલન ચાલુ થયું છે.

- text