મોરબીના પીએસઆઈ અમદાવાદમાં કાર ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતા દંડાયા

- text


ટ્રાફિક એસીપીને કારની બ્લેક ફિલ્મ દૂર કરવાની ખાતરી આપતા પીએસઆઈને જવા દેવાયા

મોરબી : મોરબીના પીએસઆઇ તેમની કાર લઈને અમદાવાદ ગયા હતા. ત્યારે ડ્રાઇવિંગ દરમિયાન તેઓ ફોન પર વાત કરતા હોવાથી ટ્રાફિક એસીપીએ તેઓને રૂ. ૧ હજારનો દંડ ફાટકાર્યો હતો. ઉપરાંત કારની બ્લેક ફિલ્મ દૂર કરવાની ખાતરી આપતા તેઓને માત્ર દંડ કરીને જવા દેવાયા હતા.

મેરા ન્યૂઝ વેબ સાઇટમાં અપલોડ થયેલા સમાચાર મુજબ મોરબીના પીએસઆઇ એ.જે. જાડેજા તેમની બ્લેક ફિલ્મવાળી કાર લઇને અમદાવાદ એસજી હાઇવેથી સરખેજ તરફ જઇ રહ્યા હતા. ત્યારે પકવાન ચાર રસ્તા પાસે તેમના વાહનની પાછળ ટ્રાફિકના એસીપી સુરેશ પટેલ પેટ્રોલિંગમાં નિકળ્યા હતા. તેમની નજર અચાનક વાહન પર પડી હતી. તેમણે અંદર જોતા વાહન ચલાવનાર વ્યક્તિ પોલીસ યુનિફોર્મમાં હોવાથી વાહન ઉભુ રાખવા ઇશારો કર્યો હતો. એસીપી સુરેશ પટેલ વાહન પાસે ગયા હતા અને વાહનની તપાસ કરતા વાહનની અંદર પીએસઆઇ કક્ષના અધિકારી વાહન ચલાવતા હતા.

- text

ઉપરાંત આ પીએસઆઇએ ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતા હોવાથી એસીપી સુરેશ પટેલે ૧ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. પીએસઆઇની નેમ પ્લેટ પર એ. જે. જાડેજા નામ લખ્યુ હતું. તેમની કાર પર બ્લેક ફિલ્મ પણ હતી. આ અંગે પીએસઆઇને ચેતવણી આપતા પીએસઆઇએ આ ફિલ્મ જાતે જ દૂર કરી દેશે તેવી ખાતરી આપતા તેમને જવા દેવામાં આવ્યા હતા.

- text