હળવદના સુંદરગઢ ગામના ડો.ચતુરભાઈ ચરમારી પીએચડી થયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાળીયાઓ અને કંઠસ્થ પરંપરાના સાહિત્ય પરના થિસીસ માન્ય રાખતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢના ગામના ઠાકોર સમાજ અને ખેડૂત પુત્ર ચતુરભાઈ ચરમારીએ ગુજરાતી (આર્ટસ)ના વિષયમાં ડો. એ.કે. રોહડીયાના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના પાળીયાઓ અને કંઠસ્થ પરંપરાનું સાહિત્યના અભ્યાસ પરથી પી.એચડી.ની પદવી મેળવી છે.

સુંદરગઢના અને હાલ હળવદના મહર્ષિ ટાઉનશીપમાં રહેતા ડો.ચતુરભાઈ ચરમારીએ સુરેન્દ્રનગર જિલ્લાના પાળીયાઓ અને કંઠસ્થ પરંપરાનું સાહિત્ય પર અભ્યાસ કરી ડો.એ.કે.રોહડીયાના માર્ગદર્શન હેઠળ થીસીસ રજુ કર્યા હતા. જેને રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી પી.એચડીની ડીગ્રી એનાયત કરી છે.

પી.એચ.ડી. થતા સમગ્ર ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેવી નેમ વ્યકત કરતા ડો.ચતુરભાઈ ચરમારીએ હંમેશા રણકાંઠા વિસ્તારના અગરીયાઓની સમસ્યાને લગતા પ્રશ્નોને ઉજાગર કર્યા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના મીઠુ પકવતા અગરીયાઓનું લોકજીવન અને તેમાંથી મળતું સાહિત્ય અંગે માસ્ટર ઓફ ફિલોસોપીનો અભ્યાસ ર૦૦૯ની સાલમાં પૂર્ણ કર્યો હતો. કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓના લોકગીત, લોકવાર્તા, ઉત્સવો અને તહેવારો, પહેરવેશ અને ભાષા તેમજ અગરીયાઓને મીઠું પકવવામાં પડતી અનેક સમસ્યાઓ જેમ કે રણકાંઠાના વિસ્તારના લોકોને જન્મ પૂર્વેથી મૃત્યુ બાદના તમામ પ્રસંગોને તેમજ જીવનમાં મીઠું પકવવા બાબતે પડતી અનેક સમસ્યાઓ પણ આ થીસીસમાં વિસ્તારપૂર્વક અભ્યાસ કરી એમ.ફીલ થયા બાદ પી.એચ.ડી.ની પદવી મેળવતા ડો.ચતુરભાઈ ચરમારીએ ઠાકોર સમાજ સહિત અન્ય સમાજામાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌરક્ષા કે સંસ્કૃતિ તથા ગાયો બચાવવા માટે તેમજ ગામ રક્ષણ માટે જે જે લોકોએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. તેવા લોકોના જીવન અને તેમની ભૂતકાળનું સાહિત્ય દુહા, છપઈ, રાસડા, લોકગીત, લોક વાર્તા તેમજ અલગ અલગ લોકસાહિત્યના સ્વરૂપનો પણ આ થીસીસમાં ડો.એ.કે.રોહડીયાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી પી.એચડીની પદવી મેળવતા ઠાકોર સમાજે સન્માન સાથે પ્રમાણપત્ર એનાયત કર્યો હતો.