મોરબી : ગાંજા પ્રકરણમાં વધુ એક શખ્સની ધરપકડ

અગાઉ પકડાયેલા બન્ને આરોપીઓ ત્રણ દિવસની રિમાન્ડ પર : સઘન પુછતાછ

મોરબી : મોરબીમાં સાડા નવ કિલો ગાંજા સાથે પકડાયેલા બન્ને શખ્સોને ત્રણ દિવસની રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. ત્યા આ પ્રકરણમાં વધુ એક શખ્સની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી સ્ટાફે બાતમીના આધારે શનાળા રોડ પર રામચોકમાં સૂર્યકીર્તિ કોમ્પ્લેક્ષ સામેના રોડ પર રિક્ષામાં ગાંજો લઈને નીકળેલા હાજીભાઈ ગનીભાઈ ભટ્ટી અને હિતેશભાઈ પીતાંબરભાઈ મારવાડીને સાડા નવ કિલો ગાંજા સાથે પકડી પાડ્યા હતા. બાદમાં બન્ને આરોપીઓને વધુ પૂછપરછ અર્થે ત્રણ દિવસની રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા.

ગાંજા પ્રકરણમાં એ ડિવિઝન પોલીસે વધુ એક આરોપી મહમદ બચુભાઇ ગાલમ ઉ.વ.૪૮ને ગાંધી ચોકમાંથી ઝડપી લીધો છે. આ અંગે એ ડિવિઝન પોલીસના પીએસઆઇ એમ.વી. પટેલે જણાવ્યું કે મહમદ ગાલમ બહારથી ગાંજો લઈને આવીને હાજીભાઈ ભટ્ટીને આપતો હતો. અને તે ૫૦ થી ૧૦૦ ગ્રામના પડીકા કરીને ખાસ કરીને પરપ્રાંતીય મજૂરોને વેચતો હતો. આ શખ્સ કોની પાસેથી ગાંજો લેતો તેની તપાસ ચાલી રહી છે.