મોરબીમાં પાણીના સંપોમાં ક્લોરીનેશન કરવાનું તંત્ર ભુલ્યું : ઝાડા ઉલ્ટીના કેસોમાં ભારે ઉછાળો

આરોગ્ય વિભાગે હાથ ધરેલા ચેકીંગમાં બહાર આવી ક્ષતિઓ : યોગ્ય રીતે ક્લોરીનેશન કરવાની નગરપાલિકા અને પુરવઠા વિભાગને તાકીદ કરતું આરોગ્ય વિભાગ

મોરબી : મોરબીમાં મિશ્ર વાતાવરણ અને દૂષિત પાણીના કારણે વાયરલજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ છે. ખાસ કરીને ઝાડા ઉલ્ટીના કેસોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. આ બાબતે આરોગ્ય વિભાગની ટીમે પાણીના સંપોમાં ચેકીંગ કરતા ક્લોરીનેશન ન થતું હોવાથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો હોવાનું ખુલ્યુ છે. જેથી નગરપાલિકા તંત્ર અને પાણી પુરવઠા તંત્રને યોગ્ય રીતે ક્લોરીનેશન કરવાની તાકીદ કરી છે.

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વાયરલજન્ય રોગોના પ્રમાણમાં ભારે ઉછાળો આવ્યો છે. જેમાં ઝાડા ઉલ્ટીની બીમારી વાળા દર્દીઓથી ખાનગી અને સરકારી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે.સરકારી આંકડા પ્રમાણે જાન્યુઆરીથી ૨૦ જુલાઈ સુધીમાં ૯૬૩૪ ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા હતા. જે ગત વર્ષની સરખામણીએ ૧૪૦૦ જેટલા કેસ વધુ છે. જ્યારે શરદી ઉધરસના ૨૯,૩૧૮ કેસ નોંધાયા છે. જે ગયા વર્ષની સરખામણીએ ૬૩૦૦ કેસ વધુ છે.

તાલુકા વાઇઝ આંકડા જોઈએ તો ઝાડા ઉલ્ટીના મોરબીમાં ૩૫૯૫, માળિયામાં ૧૬૬૨, વાંકાનેરમાં ૨૨૫૫, ટંકારામાં ૫૨૧ અને હળવદમાં ૧૬૨૧ કેસો નોંધાયા છે. આ જ રીતે શરદી ઉધરસના મોરબીમાં ૧૨૭૬૧, માળિયામાં ૧૩૫૫, વાંકાનેરમાં ૮૩૨૪, ટંકારામાં ૩૩૦૬૩, હળવદમાં ૩૨૦૬૦ કેસ નોંધાયા છે. આ સરકારી આંકડા છેલ્લા સાત માસ સુધી છે. જો કે ખાનગી દવાખાનામાં બમણા કે ત્રણ ગણા કેસો છે.

શરદી ઉધરસના કેસોમાં વધારો થવા પાછળ મિશ્ર ઋતુને કારણભૂત માનવામાં આવે છે. જ્યારે ઝાડા ઉલ્ટીના કેસો વધવા પાછળનું કારણ એ છે કે સંબંધિત તંત્ર દ્વારા પાણીનું ક્લોરીનેશન થતું ન હોવાનું ખુદ આરોગ્ય તંત્રની તપાસમાં સામે આવ્યું છે. ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થવાથી આરોગ્ય તંત્રએ પાણીના નમૂના મેળવીને ચેકીંગ કર્યું હતું. ખાસ કરીને લોકોના ઘરોમાં આવતું પાણી અને પાણીના સંપોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

જેમાં ક્લોરીનેશન કર્યા વગર પાણી વિતરણ કરાતું હોવાનું બહાર આવ્યું છે. આથી આરોગ્ય તંત્રએ શહેરી વિસ્તારમાં નગરપાલિકા અને ગ્રામ્યવિસ્તારોમાં પાણી વિતરણ કરતા પુરવઠા તંત્રને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે મોરબીના કેસરબાગ, સુરાજબાગ અને દરબારગઢ પાસેના પાણીના સંપો ચેક કરાયા છે. જ્યા યોગ્ય રીતે ક્લોરીનેશન ન થતું હોવાનું સામે આવ્યું છે. જેમાં કેસરબાગ અને દરબારગઢ પાસેના પાણીના સંપોમાં ક્લોરીનેશન ન થતું હોવાનું અને ટીસીએમ પાવડર પણ હાજર ન હોવાનું જણાવ્યું હતું. તેથી આરોગ્ય તંત્રએ નગરપાલિકા અને પાણી પુરવઠા તંત્રને યોગ્ય રીતે ક્લોરીનેશન કરવાની ટકોર કરી છે.