ટંકારા : ઓટાળા એસ્ટ્રોસિટી કેસમાં ફરિયાદીએ મળતીયા પાસે જાતે લાકડીઓ મરાવી હોવાનો ઘટસ્ફોટ

ઓટાળા ગામે એસ્ટ્રોસિટીની ખોટી ફરિયાદ મામલે આવેદન

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે તાજેતરમાં એસ્ટ્રોસિટીની ફરિયાદ મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી એસ્ટ્રોસિટીની ફરિયાદ સદંતર પણે ખોટી હોવાનું જણાવી ફરિયાદ કરનાર વિરુદ્ધ પગલાં ભરવા માંગણી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ઓટાળા ગામના અગ્રણી ધીરુભાઈ ભીમાણીની આગેવાનીમાં ગ્રામજનોએ જિલ્લા પોલીસવડા અને કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે ગત તા. ૨ ઓગષ્ટના રોજ ઓટાળા ગામના સુરેશ નથુ નામના અનુજાતિના યુવાને આજ ગામના કરમશી ભીમજી, દિપક કરમશી અને દલપતભાઈ હરિભાઈ વિરુદ્ધ એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

હકીકતમાં આ કિસ્સામાં ફરિયાદી સુરેશ નથુએ એસ્ટ્રોસિટીની ખોટી ફરિયાદ કરી હોવાનું અને જેમની સામે ફરિયાદ થઈ છે તેવા કરમશીભાઈ હાઇવે પર હોટલમાં સુતા હતા ત્યારે ફરિયાદી સુરેશ લાકડી લઈને આવતો હોવાનું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય આવે છે, આ ઉપરાંત આગળ જઇ સુરેશ નથુ એ તેના સાગરીતના હાથે સ્ટંટ કરાવી પોતાના વાસમાં લાકડીની સોળ સર્જાવી હોવાનું પણ રજુઆતમાં જણાવ્યું હતું.

વધુમાં સુરેશ નથુ હાઇવે પર પોતાના જ માણસોના હાથે માર ખાતો હતો ત્યારે અહીંથી પસાર થઇ રહેલ એક ભરવાડ યુવાન આ દ્રશ્ય જોઈ ગયો હતો અને પોલીસને નિવેદનમાં સ્પષ્ટ પણ આખી ઘટના વર્ણવી હતી, આ ઉપરાંત પેટ્રોલ પમ્પના સીસી ટીવી ફુટેજમાં પણ ઘટનાક્રમ કેદ થઈ જતા ફરિયાદ જ ખોટી હોવાનું સ્પષ્ટ બન્યું છે.

આ સંજોગોમાં ઓટાળાના ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી એસ્ટ્રોસિટીની ખોટી ફરિયાદ કરનાર સુરેશ નથુ વિરુદ્ધ કડક પગલાં ભરી ખોટી ફરિયાદ મામલે ગુન્હો દાખલ કરવવા માંગ ઉઠાવી હતી.