વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રો બંધ : અચોક્કસ મુદતની હડતાલ

- text


પગાર વધારો, નવા મેનુ સહિતની બાબતોને લઈ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર સંચાલકો – કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ

વાંકાનેર : પગાર વધારો, નવા મેનુ સહિતની બાબતોને લઈ વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના તમામ કેન્દ્રના સંચાલકો – કર્મચારીઓ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાલ પર જઇ રહ્યા હોવાથી ગરીબ બાળકોને ભૂખ્યા રહેવું પડશે.

રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં ફેરફાર કરી નવું મેનુ અમલી બનાવ્યા બાદ સવારે પૌષ્ટિક નાસ્તો અને બપોરે ભોજન આપવાની જોગવાઈ કરી છે જેની સામે સંચાલકોને ૧૬૦૦, રસોયાને ૧૪૦૦ અને હેલ્પરને ૫૦૦ રૂપિયા જ પગાર ચૂકવાય છે જે અંગર અવાર નવાર રજુઆત કરવા છતાં સવારે ૯.૩૦ થી સાંજના ૪ વાગ્યા સુધીના કામ માટે કોઈ જ પગાર વધારો કરાતો નથી.

બીજી તરફ નવા મેનુ મુજબ પૌષ્ટિક આહારના નામે બાળકોને થેપલા, સુખડી જેવો આહાર આપવા માટે પ્રત્યેક બાળક દીઠ ફક્ત ૦.૫ ગ્રામ તેલ જ આપવામાં આવે છે અને કંટી બીલમાં બજારમાં ૬૦ રૂપિયે કિલો મળતાં ગોળના ૪૦ રૂપિયા જ આપવામાં આવતા હોય સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

- text

આ ઉપરાંત નવા મેનુ મુજબ બાળકોને મિક્સ કઠોળ આપવા જોગવાઈ કરવામાં આવી છે પરંતુ આજદીન સુધી વાંકાનેર તાલુકામાં કઠોળ અપાતું જ ન હોવાથી બાળકોને નવા મેનુ મુજબ નાસ્તો આપી શકાતો નથી.

ઉલ્લેખનીય છે કે સરકાર નવા મેનુ મુજબ જથ્થો આપતી ન હોવાથી શિક્ષકો સાથે પણ અવાર નવાર ઘર્ષણ થતું હોવાનું જણાવી આગામી તા. ૪ જુલાઈ એટલે કે આવતીકાલથી મધ્યાહન ભોજન યોજનાના તમામ કર્મચારીઓ હડતાલ પર જઈ રહ્યા હોવાનું આજે આવેદનપત્ર આપી લેખિતમાં જણાવાયું છે.

આમ, સરકારની બેધારી નીતિને કારણે આવતીકાલથી મભયો કેન્દ્રો બંધ થનાર હોવાથી ગરીબ બાળકોને ભૂખ્યા રહેવાનું નક્કી છે.

- text