મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૨ સભ્યોએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા : કાલે ફેંસલો

- text


જિલ્લાની ૫ તાલુકા પંચાયતમાંથી મોરબી અને ટંકારા બીનહરિફ : જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ,ઉપપ્રમુખ પદ માટે જુથવાદના લબકારા
મોરબી : મોરબી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની આવતીકાલે બુધવારે ચૂંટણી છે. જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાંથી મોરબી અને ટંકારા તાલુકા પંચાયત બીનહરીફ જાહેર થઈ છે. જિલ્લા પંચાયતની સ્થિતિ જોઈએ તો કોંગ્રેસમાં જૂથવાદના લબકારા જોવા મળી રહ્યા છે. જેમાં પ્રમુખ પદ માટે ૨ અને ઉપપ્રમુખ પદ માટે ૩ ફોર્મ ભરાયા હતા.

મોરબી જિલ્લા પંચાયતની ૨૪ સીટમાંથી કોંગ્રેસ પાસે ૨૨ અને ભાજપ પાસે ૨ સીટ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ , ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના એક જુથમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે મુકેશભાઈ બચુભાઈ ગામી તથા ઉપપ્રમુખ પદે હસમુખભાઈ મૂછડીયા અને બીજા જૂથમાં પ્રમુખ પદે કિશોરભાઈ ચીખલીયા તથા ઉપપ્રમુખ પદે ગુલામઅલી પરાસરા એ ફોર્મ ભર્યું હતું જયારે અલગ રીતે કોંગ્રેસના સદસ્ય હેમાંગભાઈ રાવલે ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું પરંતુ 3 જ કલાક માં ફોર્મ પરત ખેંચી લીધું હતું .

જો કે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે સ્પષ્ટ દાવેદાર મનાતા કિશોરભાઈ ચીખલીયા સહિત ૧૭ સભ્યો અજ્ઞાતવાસમાં છે. આવતીકાલે તમામ સભ્યો ચૂંટણીમાં હાજર થશે. જયારે પક્ષે પ્રમુખ તરીકે મુકેશભાઈ બચુભાઈ ગામી તથા ઉપપ્રમુખ પદે હસમુખભાઈ મૂછડીયા ને મેન્ડેડ આપ્યું છે

- text

આવતીકાલે તા ૨૦ના રોજ મોરબી જિલ્લા પંચાયતની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ત્યારે મોરબી તાલુકા પંચાયત અને ટંકારા તાલુકા પંચાયત બીનહરીફ જાહેર થઈ છે. જેમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ તેજાભાઈ પંચોટીયા તેમજ ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ મધુબેન અશોકભાઈ સંઘાણી અને ઉપપ્રમુખ મંજુબેન વિનોદભાઈ ડાંગર બન્યા છે. મોરબી તાલુકા પંચાયતના ૨૬ સભ્યોમાંથી કોંગ્રેસ પાસે ૨૧ અને ભાજપ પાસે ૫ સીટ છે. જ્યારે ટંકારા તાલુકા પંચાયતમાં તમામ ૧૬ સભ્યો કોંગ્રેસના છે.

હવે વાંકાનેર, માળીયા, હળવદ તાલુકા પંચાયતની ચૂંટણી આવતીકાલે તા.૨૦ના રોજ યોજાશે. જેમાં વાંકાનેરમાં કોંગ્રેસમાંથી પ્રમુખ પદ માટે ફાતુબેન યુનુસભાઈ શેરસિયા અને ઉપપ્રમુખ માટે રામુબેન નારણભાઈ એરવાડિયા, ભાજપમાંથી પ્રમુખ પદ માટે જયાબેન રઘુભાઈ અંબાસણીયા અને ઉપપ્રમુખ તરીકે દેવશીભાઈ વાલજીભાઈ સાપરાએ ફોર્મ ભર્યા છે.

વાંકાનેરમાં ૨૪માંથી કોંગ્રેસ પાસે ૧૮ અને ભાજપ પાસે ૬ સીટ છે. માળીયામાં કોંગ્રેસમાંથી પ્રમુખ તરીકે લાભુબેન દેવાનંદભાઈ બફતરાએ, ઉપપ્રમુખ માટે ઉમરભાઈ જેડાએ અને ભાજપમાથી પ્રમુખ પદે વિજયાબેન રમેશભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ પદ માટે ધ્રુવકુમાર દિગ્વિજયસિંહ જાડેજાએ અને હળવદમાં કોંગ્રેસમાંથી પ્રમુખ પદે ભરતભાઇ થડોદા, ઉપપ્રમુખ તરીકે લાભુભા જટુભા ઝાલા અને ભાજપમાંથી પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે બળદેવભાઈ રવજીભાઈ સોનાગ્રાએ ફોર્મ ભર્યા છે.

- text