હળવદમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ : અરજદારોમાં રોષ

- text


અરજદારો કાળઝાળ ગરમીમાં તડકો માથે લઈને આધાર કાર્ડ કઢાવવા અને સુધારા કરવા માટે પડતા ધરમના ધક્કા

હળવદ : હળવદમાં સમયાંતરે અરજદારો આધારકાર્ડ કઢાવવા આવતા હોય છે ત્યારે અવારનવાર કોઈ કારણોસર આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઇ જતી હોવાથી અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરની જુની મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી છેલ્લા ચાર દિવસથી બંધ રહેતા કાળઝાળ ગરમીમાં તડકો માથે લઈને આધાર કાર્ડ કઢાવવા અને સુધારા કરાવવા આવતા અરજદારોને ધરમધક્કા ખાવા પડે છે.

સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ માટે આધારકાર્ડને જ પ્રાધાન્ય આપવામાં આવતાં હવે આધારકાર્ડ જ મહત્વનો પુરાવો સાબિત થઈ રહ્યો છે ત્યારે આધારકાર્ડની કામગીરી ઠપ્પ થતાં અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આધાર કાર્ડમાં સુધારો કરવા આવેલા ઘનશ્યામપુરના ગજ્જર પ્રતિકે વ્યથીત સ્વરે જણાવ્યું કે તેઓ છેલ્લા અઠવાડિયાથી અહીયા વારંવાર ધક્કા ખાઈ રહ્યો છે પરંતુ આધારકાર્ડની કચેરી ચાર દિવસ બંધ હોવાથી કામ થતુ નથી. તો કેટલાક અરજદારોએ આ બાબતે જણાવ્યું કે, આધાર કાર્ડ વીના મુશ્કેલી ભોગવી રહ્યા છે. જયારે આજે આધારકાર્ડ વગર વિદ્યાર્થીઓને શીષ્યવૃતી નથી મળતી કે નથી મળતો એસ.ટી. બસનો પાસ. આમ હળવદ શહેરમાં માત્ર એક જ જગ્યાએ આધારકાર્ડની કામગીરી રોજ બરોજના ધક્કા ખાવાથી અરજદારો તોબા પોકારી ઊઠયા છે.

- text

સરકારની મહત્વકાક્ષી યોજના ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણને અમલીકરણ કરવામાં આવતાં સરકારની વિવિધ પ્રકારની યોજનાઓ માટે આધારકાર્ડને જ પ્રાથમિકતા આપવામાં આવી રહ્યો છે અને આધારકાર્ડને જ ઓળખપત્ર માનવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં આધારકાર્ડની કામગીરી છેલ્લા ચાર દિવસથી બંધ હોવાથી અરજદારો હેરાન પરેશાન થઈ ગયા છે.

હળવદ શહેરની જુની મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કઢાવવા માટે અરજદારો ગામડેથી ભાડા ખર્ચ કરીને આવતા હોય છે તેમજ સમયનો વેડફાટ થતો હોવા છતાંય આધારકાર્ડનું કામ થતું ન હોવાની ફરિયાદો પણ અરજદારોમાં ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, હળવદ શહેરની જુની મામલતદાર કચેરીમાં છેલ્લા ચાર દિવસથી આધારકાર્ડની કામગીરી બંધ હોવાનું કોન્ટ્રાકટર દ્વારા નોટીસ બોર્ડ લગાવવામાં આવતા અરજદારો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ અરજદારોમાં માંગ ઉઠી છે.

- text