ફિલ્મ રિવ્યુ – ફેરા ફેરી હેરા ફેરી (ગુજરાતી) : હળવીફુલ પૈસાવસુલ કોમેડી

- text


પ્રખ્યાત ગુજરાતી અભિનેતા મનોજ જોશી(ચાણક્ય ફેઈમ) અભિનિત ‘ફેરાફેરી હેરાફેરી’ કોઈપણ જાતના ડબલ મિનીંગવાળા સંવાદો વગરની પારિવારિક ગુજરાતી કોમેડી ફિલ્મ છે.

ગુજરાતી નાટકોની જેમ ફિલ્મમાં પેટપકડીને હસાવી નાખે તેવી સિચ્યુએશનલ કોમેડી છે, પણ નાટક જેટલી અસરકારક થઈ શકતી નથી. તેમ છતાં ફિલ્મની સ્ટોરી લાઇન અને સ્ક્રીનપ્લેમાં મનોજ જોશી જ કેન્દ્રમાં છે એટલે જ્યાં સુધી એ સ્ક્રીન પર હોય છે આપણા ચેહરા પર હળવું હાસ્ય તો છવાયેલું જ રહે છે.

હસમુખલાલ જોબનપુત્રા (મનોજ જોશી) ફિલ્મમાં કમનસીબે 2 પત્નીઓના પતિ છે. તેઓએ પ્રેમ લગ્ન કર્યા છે મંદાકિની (શિલ્પા તુલાસ્કર) સાથે, પણ તેઓના પિતાને તેઓ આ વાત કહી શકતાં નથી. એક દિવસ જ્યારે તેમના પિતાને આ વાત કહેવા જાય છે ત્યાં તેમના પિતા તેમના મિત્ર જયંતીની પુત્રી શ્રીદેવી ( સોનિયા શાહ) સાથે લગ્ન કરવા ફરજ પાડે છે. પિતાને વચન આપ્યું હોવાથી તેઓ બીજા લગ્ન કરે છે, ને શરૂ થાય છે સુડી વચ્ચે સોપારી જેવી હસમુખલાલની જિંદગી….

તારક મહેતાના જેઠાલાલની જેમ તેઓની જિંદગીમાં પણ એક પછી એક સમસ્યાઓ આવતી જ રહે છે અને આખી ફિલ્મમાં ફેરાફેરીને લીધે થતી હેરાફેરી જોવા મળે છે.

કુલદીપ ગોર, બીજલ જોશી, હરેશ ડાગિયા, અર્ચન ત્રિવેદી સહિત ઘણા નવા અને જૂના એકટરોએ આ ફિલ્મમાં કામ કર્યું છે, તો સંગીત આપ્યું છે પાર્થ ભારત ઠક્કરે. ફિલ્મમાં પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફી કરી છે, તો સોનુ નિગમના અવાજમાં ‘ધમાલીયું’ ગીત ધમાલ મચાવે છે.

- text

ફિલ્મની આ સ્ટોરી જેવી જ બેઝલાઈન પરથી બોલિવુડમાં અગાઉ પણ ઘણી ફિલ્મો બની છે, પણ ગુજરાતી માહોલમાં બનેલી આ ફિલ્મ આપણને જોવી ગમે એવી છે. હંગામા કે ગોલમાલ જેવી ફિલ્મોમાં હોય છે, તેવી ક્લાઈમેક્સ સુધીની રોલર કોસ્ટર રાઈડ કોમેડી છે.

ફિલ્મમાં ગોંડલના હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પણ રોલ કર્યો છે, જોકે ફિલ્મમાં પણ તેઓ ડાયરો જ કરે છે. હાસ્યના પ્રોગ્રામમાં તેઓની એન્ટ્રીથી શરૂ થતી ફિલ્મ ફ્લેશબેકમાં ભજવાઈને તેવા જ એક કાર્યક્રમમાં પૂરી થાય છે. સાંઈરામ દવેના અવાજમાં ‘ગઝબનો હલવાણો’ વાક્ય બ્રેકગ્રાઉન્ડમાં આખી ફિલ્મમાં વિવિધ સીન્સમાં આવતું રહે છે.

જોવાય કે નહીં?
પદ્મશ્રી એવોર્ડ વિજેતા મનોજ જોશીએ કેરેક્ટરમાં જીવ રેડીને આ ફિલ્મને હળવીફુલ પારિવારિક કોમેડી રાખી છે. અઢી કલાકની આ ફિલ્મ નવીજુની બંને પેઢીને ગમે એવી પૈસાવસુલ મુવી છે.

માત્ર 29 દિવસના ટૂંકા ગાળામાં 460 કલાકના શૂટિંગ અવર્સમાં તૈયાર થયેલી આ ફિલ્મ ગુજરાતીમાં પણ વિષય વૈવિધ્યવાળી ફિલ્મોના નિર્માણનું આશાનું કિરણ છોડી જાય છે.

રેટિંગ : 7/10

આલેખન – મનન બુધ્ધદેવ

- text