હળવદ : ટેકાના કેન્દ્રમાં મગફળી વેચવી સાત કોઠા પાર કરવા સમાન

- text


હળવદ : હળવદના ખેડૂત મનસુખભાઇ સોનાગરાની પોતાની મગફળીનો પાક લઈને હળવદ ખાતે કાર્યરત ખરીદ કેન્દ્રમાં વેચવા ગયા હતા પરંતુ તેમની મગફળીને રિજેક્ટ કરવામાં આવી છે. હળવદ ખાતે કાર્યરત ખરીદ કેન્દ્રમાં તેમની મગફળીમાં માટી છે એવુ કારણ આપીને રિજેક્ટ કરવામાં આવી છે. મનસુખભાઇની જેમ અનેક ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ખરીદકેન્દ્રની બોરીમાં ભરેલ મગફળીનું વજન 35 કિલોથી ઓછુ રહે તો પણ એ રિજેક્ટ કરવામાં આવે છે.

- text

આ અંગે હળવદના ખેડૂત કિરીટભાઇએ જણાવ્યુ કે, ખરીદકેન્દ્ર પર ખેડૂતોને બેંકની પાસબુકની સાથે કેન્સલ ચેક આપવાનો નિયમ છે. બેંકની પાસબુકમાં બધી વિગતો હોવા છતાં ચેકબુક વગર રજીસ્ટ્રેશન થતુ નથી. ચેકબુક ન હોય તો આ અંગે બેંકનો દાખલો માંગવામાં આવે છે. બેંકો આ પ્રકારનો દાખલો આપતી નથી. આથી ખેડૂત બેંક અને ખરીદકેન્દ્ર વચ્ચે દોડાદોડી કરીને જ થાકી જાય છે. આટલી માથાકૂટ પછી કોઇ ખેડૂતનું રજીસ્ટ્રેશન થાય તો પણ વિવિધ કારણો આપીને ખેડૂતોનો માલ રિજેક્ટ કરવામાં આવે છે. આમ, ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવુ એ ખેડૂત માટે અભિમન્યુના સાત કોઠા પાર કરવા સમાન બની રહ્યુ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે હળવદ કેન્દ્રમાં લાભપાંચમથી ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ રહ્યુ છે પણ માલ ખરીદવાની શરૂઆત થોડા દિવસો પહેલાં જ થઇ છે. હળવદ કેન્દ્રમાં અત્યાર સુધીમાં 900થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જ્યારે હજુ સુધી 100 ખડૂતોની પણ મગફળી ખરીદવામાં આવી નથી. જુનાગઢ જિલ્લામાં કાર્યરત 5 જેટલા ખરીદકેન્દ્રોમાં અત્યારસુધીમાં 17 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જોકે, પ્રાપ્ત માહિતી પ્રમાણે 1000 ખેડૂતોની પણ મગફળી હજુ સુધી ખરીદવામાં આવી નથી. આમ, સરકારે ખરીદ કેન્દ્રોની જાહેરાત તો કરી છે પણ જેમ તુવેરની ખરીદીમાં તંત્ર નિષ્ફળ ગયુ હતુ એમ જ મગફળીની ખરીદીમાં પણ થઇ રહ્યુ છે.

- text