મોરબી : આજે જે રોડનું કોંગ્રેસે ખાતમહુર્ત કર્યું તે રોડનું હવે ભાજપ પણ ખાતમૂહર્ત કરશે!

- text


 

મોરબીના ભરતનગરથી બેલા ગામનાં રોડનું ખાતમહુર્ત કરવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હરીફાઈ જામી હોય તેમ બંને પક્ષ દ્વારા એક જ રોડનું અલગ અલગ ખાતમુર્હત થઇ રહ્યું છે. ત્યારે વિધાનસભાણી ચૂંટણી નજીક આવતી હોવાથી રોડના ખાતમુર્હતનો જશ ખાટવા બંને પક્ષો મેદાનમાં પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
બેલા ગામથી ભરતનગર સુધીનો ૬ કિ.મી. લાંબો માર્ગ વષોથી ખખડધજ હાલતમાં છે. લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. ત્યારે આજે અંદાજીત રૂ.૫.૨૫ કરોડના ખર્ચ મંજુર થયેલા આ માર્ગનું કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત દ્વારા ખાતમુર્હત કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સોનલબેન જકાસણીયા, વાંકાનેરનાં ધારાસભ્ય પીરજાદા, કોંગ્રેસ આગેવાનો બ્રિજેશ મેરજા, કીશોર ચીખલીયા, ઘનશ્યામભાઈ જકાસણીયા, બેચરભાઈ હોથી સહિતની હાજરીમાં આ રોડનું ખાતમુર્હત કરાયું હતું. જ્યારે નવાઈની વાત એ છે કે આજ રોડનું આવતીકાલે રવિવારે ભાજપ દ્વારા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, ઇન્દોરના ધારાસભ્ય રમેશ મેદોલજી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજય વર્ગીયની હાજરીમાં સાધ્વીજી કનકેશ્વરી દેવીનાં હસ્તે ખાતમુર્હતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમ મોરબીના ભરતનગરથી બેલા ગામના રોડ અમે મંજુર કરાવ્યાં છે તેવો જશ ખાટવા બંને પક્ષો દ્વારા ખાતમુર્હતનાં કાર્યક્રમ રાખવામાં આવ્યાની ચર્ચા છે. તેમજ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પ્રજાનાં કામો કરીને જશ ખાટવા માટે બને પક્ષોમાં હોડ જામી છે. તેથી એક રોડના ખાતમુર્હત બબ્બે વખત થઇ રહ્યા છે. ત્યારે સાચું ખાતમુર્હત કોનું ગણવું તે અંગે ડી.ડી.ઓ. એસ.એમ.ખટાણાએ જણાવ્યું હતું કે, આ રોડ જિલ્લા પંચાયતનાં હસ્તક આવે છે. અને રોડનું કામ પણ જિલ્લા પંચાયતનાં હસ્તક થશે. તેથી જિલ્લા પંચાયત દ્વારા આજે ઓફિસીયલી રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. જયારે આ બાબતે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતનાં પ્રમુખ સોનલબેન જકાસણીયાએ જણાવ્યું હતું કે , બેલા ગામનો રોડ જિલ્લા પંચાયતનાં હસ્તકનો છે. અને ડીડીઓની મંજુરી લઈને તેમની હાજરીમાં કાયદેસર રીતે આ રીતનું ખાતમુર્હત કરવામાં આવ્યું છે. જ્યારે સામાપક્ષે ભાજપ અગ્રણી જે.પી. જેસ્વાણીએ કહ્યું હતું કે, ભાજપે અગાઉથી આ રોડનું ખાતમુર્હત કરવાની જહેમત કરી હતી તેથી અમારો કાર્યક્રમ નિશ્ચત છે.

- text

- text