મોરબી : શિશું મંદિરમાં સૌરાષ્ટ્ર ઝોનનાં નવનિયુક્ત શિક્ષકો માટે તાલીમ વર્ગ

વિદ્યા ભારતી સંકુલ સંલગ્ન શાળાનાં ૭૫ શિક્ષકોને અપાય છે તજજ્ઞો દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ પદ્ધતિનું પ્રશિક્ષણ

મોરબી : શિશું મંદિર ખાતે સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર ઝોનનાં નવનિયુક્ત શિક્ષકો માટે સાત દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર ભરતી સંલગ્ન શાળાનાં નવા નીમાયેલા ૭૫ શિક્ષકોને તા. ૨૬થી ૨ જૂન સુધી ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે.
આ તાલીમ શિબિરમાં મોરબી, વાંકાનેર, રાજકોટ, હળવદ, પોરબંદર, દ્વારકા, સોમનાથની વિદ્યાભરતી સંચાલિત શાળાઓનાં નવનિયુક્ત શિક્ષકોને વહેલી સવારનાં ૪ વાગ્યાથી પ્રશિક્ષણ આપવામાં આવે છે. વહેલી સવારથી સાંજ સુધી ચાલતા આ તાલીમ વર્ગોમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ બાળકોને કઈ રીતે આપી શકાય તેનું તજજ્ઞો દ્વારા જ્ઞાન પીરસવામાં આવે છે. જેમાં આર.એસ.એસ.નાં પશ્ચિમ ક્ષેત્રનાં સંઘ સંચાલક ડો.જયંતીભાઈ ભાડેશીયા, વિદ્યા ભારતી સંસ્થા પ્રશિક્ષણ વર્ગનાં પ્રમુખ રણજીતસિંહ પરમાર, મુકેશભાઈ જાદવ, જયંતીભાઈ રાજકોટીયા, કનુભાઈ સહિતનાં તજજ્ઞો દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન અને સંવર્ધન સાથે બાળકોમાં ક્યાં પ્રકારે સંસ્કારોનું સિંચન કરવું તે વિષયક જ્ઞાન આપવામાં આવે છે.