ભાગવત કથા એ મુંઝાયેલા માણસનું અંતિમ આશ્રયસ્થાન : મુખ્યમંત્રી રૂપાણી

હળવદ ખાતે યોજાયેલ સતવારા સમાજ આયોજીત ભાગવદ સપ્તાહના પૂર્ણાહુતિ પ્રસંગમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ

હળવદ : હળવદ ખાતે યોજાયેલી ભાગવતકથાના અંતિમ દિવસે ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યુ હતું કે રાજયના કોઇ પણ મુંઝાયેલા હતાશ-નિરાશ નાગરીક માટે ભાગવત કથાનું શ્રવણ એ અંતિમ આશ્રય સ્થાન છે. કથાપાન કરનાર તમામ નાગરિકોના હિતોના રક્ષણ માટેરાજય સરકાર કૃનિશ્ચયી છે, તેવી હૈયાધારણ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિતોને પાઠવી હતી.
આ વર્ષની વિધાનસભામાં ગૌહત્યા અધિનિયમ-૨૦૧૭, દારૂબંધીના કડક અમલ તથા ફી નિર્ધારણ  સમિતિના ગઠનના પસાર કરેલા કાયદાની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ એવો આશાવાદ વ્યકત કર્યો હતો કે આ  તમામ કાયદાઓથી રાજયના વિવિધ ક્ષેત્રોમાં ચાલતી ગેરરીતિઓ તેમજ સમાજમાં ચાલતી બદીઓ પર નિયંત્રણ લાવી શકાશે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગીર અને કાંકરેજ ઓલાદની ગાયો ના સંવર્ધન કરવા સાથે  રાજયના દરેક તાલુકામાં નંદિઘર સ્થાપવાની જાહેરાત કરી હતી, જેનાં માધ્યમ થકી રાજયભરમાં ગીર અને કાંકરેજ ગાયની નસ્લનું નિર્માણ કરી શકાશે. રાજયના પશુપાલન ક્ષેત્રે આ પગલું ક્રાંતિકારી સાબિત થશે,એવી નેમ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વ્યકત કરી હતી.
રાજયના નાગરિકોને સસ્તી દવાઓ પુરી પાડવા માટે રાજય સરકારે અત્યાર સુધીમાં બસ્સો  જેનેરીક સ્ટોર્સ  ખોલ્યા છે. એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજયભરમાં પ૦૦ જેનેરિક સ્ટોર્સ  માટેની ટેન્ડરપ્રક્રિયા પ્રગતિમાં છે. તથા અન્ય પ૦૦ નવા સ્ટોર્સ ખોલવાની કાર્યવાહી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.
રાજયના ખેડુતોને પૂરતા પ્રમાણમાં પાણી અને વીજળી આપવાનું મુખ્યમંત્રીશ્રીએ અભય  વચન આપ્યું હતું તથા કિસાનોના હિતોના રક્ષણ માટે રાજયસરકારે ટેકાની ભાવની ખરીદીની વિગતો પણ રજુ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નાગરિકોના આરોગ્યના રક્ષણ માટેના મુખ્યમંત્રીશ્રી મા અમૃતમ યોજનાનો લાભ લેવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
વૈશાખ માસના ભરઉનાળાના સમયમાં પણ હળવદના તળાવો ભરેલા હોવા અંગે  મુખ્યમંત્રીશ્રીએ સંતોષ વ્યકત કરતાં આ બાબતને રાજય સરકારના આગોતરા આયોજનની સફળતા ગણાવી હતી,તથા ઉપસ્થતોને પાણીનો સંભાળપૂર્વક ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીનું ફુલોના વિશાળ હાર તથા પાઘડીથી  પરંપરાગત  સ્વાગત કરાયું હતું કન્યા છાત્રાલયના નિર્માણમાં સહયોગ આપનાર તમામ દાતાઓએ કિશાનોના પ્રતિક સમા ગાડાની પ્રતિકૃતિ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી હતી. મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા સહિત તમામ મહાનુભાવોને સ્મૃતિચિહન એનાયત કરાયા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ પોથીનું પૂજન કર્યુ હતું.તથા તમામ દાતાઓનું શાલ ઓઢાડી સન્માન  કર્યું હતું. નગરપાલીકાના પ્રમુખશ્રી રણછોડભાઇ દલવાડીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
રાજયના પંચાયત તથા ગ્રામ ગૃહનિર્માણ વિભાગના રાજયમંત્રીશ્રી જયંતીભાઇ કવાડીયાએ મુખ્યમંત્રીશ્રીને કિશાનોના હમદર્દ ગણાવ્યા હતા. અને રાજયના ખેડૂતોના  હિતાર્થે અમલી બનાવેલી વિવિધ કિશાન કલ્યાણલક્ષી યોજનાઓ બદલ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા
હળવદ માર્કેટીંગ યાર્ડ દવારા વિદ્યાર્થીઓને આપવામાં આવનાર રાહત  દરના ચોપડાનું મુખ્યમંત્રીશ્રી સહિતના તમામ મહાનુભાવોએ વિમોચન કર્યુ હતું
હળવદ દલવાડી સમાજ દવારા રૂક્ષ્મણીબહેન રામજીભાઇ કન્યા છાત્રાલય તથા નવ નિર્મિત ભકિત વિદ્યાલયના લાભાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવદ કથાના  અંતિમ દિવસે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ કથામાં ઉપસ્થિત રહયા હતા. આ ભાગવદ સપ્તાહના મુખ્ય વકતા તરીકે અર્જુન સાર્થીદાસ તથા મુખ્ય યજમાન પદે રણછોડભાઇ દલવાડી, લાલજીભાઇ,  કાનજીભાઇ, પ્રેમજીભાઇ, તથા સહ યજમાન તરીકે ગીરીશભાઇ નકુમ સહિત અગ્રણીઓએ કથામાં ભાગ લીધો હતો. હળવદ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના ધર્મપ્રેમી ભાઇ-બહેનો આ સપ્તાહમાં ભાગ લઇ  કથા શ્રવણનો લાભ લીધો હતો.
આ કથામાં સ્વર્ણિમ ગુજરાત અમલીકરણ સમિતીના અધ્યક્ષશ્રી આઇ.કે જાડેજા, સંસદસભ્યશ્રી દેવજીભાઇ ફતેપરા અને ધારાસભ્યોશ્રી કાંતિભાઇ અમૃતિયા અને શ્રી બાવનજીભાઇ મેતલિયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રધુભાઇ ગડારા, તથા મહામંત્રીશ્રી ધીરેનભાઇ પારેખ તથા જયોતિસિંહ જાડેજા, કન્યા છાત્રાલયના પ્રમુખશ્રી કિશોરભાઇ પરમાર, મોરબી જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણા ,પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, પ્રાંતઅધિકારરીશ્રી વીઠલાણી ,એસ..ટી.બોર્ડના ડારેકટરશ્રી બીપીન દવે ,હળવદમામલતદારશ્રી પટેલ સહિત જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.