આભાર મોરબી ! મોરબી અપડેટનો ગૌરવભેર આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ 

સમાચાર એટલે મોરબી અપડેટ…વાચકોમાં અદમ્ય વિશ્વનીયતા ધરાવતા મોરબી અપડેટે સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ કર્યા

મોરબી : સમાચાર એટલે મોરબી અપડેટ અને મોરબી અપડેટ એટલે સમાચાર… હરહંમેશ પક્ષા પક્ષીથી દૂર રહી સચોટ, સટીક અને વિશ્વસનીય સમાચાર આપતું મોરબી અપડેટ મોરબી જિલ્લાના વાંચકોની પહેલી પસંદની સાથે જિલ્લા કક્ષાનું ગુજરાતનું નંબર વન ન્યુઝ નેટવર્ક બન્યું છે. નાગરિકોના કોઇ પણ પ્રશ્ન હોય, તે પ્રશ્નને વાચા અપાવવામાં મોરબી અપડેટે કોઈ કસર નથી છોડી, લોકોનું જ માધ્યમ છે અને લોકો માટે જ ચાલે છે તે જ સિધ્ધાંતોને વળગી રહી મોરબી અપડેટે આજે સફળતાના સાત વર્ષ પૂર્ણ કરી આઠમા વર્ષમાં ગૌરવભેર મંગલ પ્રવેશ કર્યો છે.

મોરબી અપડેટ ન્યુઝ નેટવર્કે આજે 24 એપ્રિલ, 2024ના રોજ સાત વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. મોરબી અપડેટની શરૂઆત એક નાના કદમથી તા. 24 એપ્રિલ, 2017ના રોજ કરવામાં આવી હતી. એક અલગ અંદાજ સાથે માત્રને માત્ર મોરબી જિલ્લાના નાનામાં નાના સમાચારથી લઈ તમામ ક્ષેત્રના સમાચારોને તટસ્થ, સચોટ, સટીક અને વિશ્વસનીયતાપૂર્વક જન-જન સુધી પહોંચાડવાની નેમ સાથે ટીમ મોરબી અપડેટ 24×7 પ્રયત્નશીલ રહી છે. મોરબી અપડેટની ટીમે સતત અને સત્ય સમાચારોની સાથે વાચકોનો વિશ્વાસ અને દિલ પણ જીત્યું છે. મોરબી અપડેટ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કક્ષાનું દૈનિક લાખો વાચકો સાથેનું નંબર વનના ટોચના સ્થાને બિરાજમાન થયું છે.

મોરબી અપડેટે સમાચાર પહોચાડવાની સાથે રોજગાર-ધંધાને વેગ આપવામાં પણ સિદ્ધિ નોંધાવી છે. સમાચારોની કામગીરીને વધુમાં વધુ ઝડપી બનાવવા સૌથી વધુ સ્ટાફ તૈનાત કરાયો, સામે સ્ટાફના મહેનતાણા માટે પ્રમોશનલ આર્ટિકલ, વિડિયો સ્વરૂપે જાહેર ખબર શરૂ કરી, જે દરેક વેપારીઓ માટે પણ અસરકારક બની, જાહેરાત ખર્ચથી વ્યાપારીઓને 10 ગણું વધુ વળતર અપાવવાની નેમ ધારણ કરી છે.

મોરબી જિલ્લાના સમાચારોને જ પ્રાધાન્ય આપી છેલ્લા સાત વર્ષથી ખરા અર્થમાં લોકહૃદયમાં બિરાજમાન થયેલ મોરબી અપડેટે વાંચકોના અપાર પ્રેમને કારણે આજે આઠમા વર્ષમાં સફળતાપૂર્વક મંગળ પ્રવેશ કર્યો છે. 2017 પછી મોરબીની મીની જળ હોનારત હોય કે પછી જળ સમસ્યા હોય કે ઝૂલતા પુલ જેવી ગોઝારી દુર્ઘટના હોય.. મોરબીના લોકોને સ્પર્શતી કોઈપણ બાબત હોય, કોરોનાની મહામારી કે અન્ય આપત્તિના સમયમાં મોરબી અપડેટ હંમેશા સત્યના માર્ગે ચાલી પ્રજાજનોના અવાજને બુલંદ બનાવી સરકારનો કાન આમળવાનું કદી ચૂક્યું નથી અને એટલે જ તો આજે સાત વર્ષમાં મોરબી અપડેટ દૈનિક નિયમિત સાત લાખ જેટલા વાંચકોના મોટા પરિવાર સાથે જિલ્લા કક્ષાનું નંબર વનનું સ્થાન મેળવ્યું છે. આજે ફેસબુકમાં 4 લાખ, મોરબી અપડેટની એપ્લિકેશનમાં 3 લાખ ઉપરાંત વેબસાઇટ પર દરરોજ 1.5 લાખથી વધુ તેમજ 1.25 લાખથી વધુ વોટ્સએપ યુઝર્સ મોરબી અપડેટ સાથે રોજિંદા જોડાયેલ છે. તદુપરાંત, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ સહિતના માધ્યમથી પણ વિશાળ સંખ્યામાં લોકો મોરબી અપડેટ સાથે સતત જોડાયેલ રહ્યા છે.

એક અંદાજ મુજબ આજે મોરબી જિલ્લાના દર દસ મોબાઈલધારકો પૈકી 8 મોબાઈલમાં મોરબી અપડેટની એપ્લિકેશન ઇન્સ્ટોલ છે. ઉપરાંત, વોટ્સએપ ગ્રુપ મારફતે પણ લોકો બહોળા પ્રમાણમાં મોરબીની પળેપળની હલચલથી માહિતગાર થઈ રહ્યા છે. નોંધનીય છે કે મોરબી અપડેટે પણ હમેંશા લોકોમાં વિશ્વાસ બન્યો રહે તેવા સચોટ અને વિશ્વસનીય સમાચાર જ પ્રસિદ્ધ કરવાની પોતાની નેમ જાળવી રાખી છે અને લોકોની દરેક સમસ્યાનો ઉકેલ લાવવા હર સંભવ પ્રયાસ કરતું રહ્યું છે અને આગળ પણ કરતું રહેશે.

અત્રે નોંધનીય છે કે મોરબી અપડેટ માત્ર સમાચાર આપીને જ સંતોષ માનવાને બદલે સાચા અર્થમાં સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં પણ પ્રયત્નશીલ રહ્યું છે. મોરબીને એક અલગ ઓળખ અપાવનાર, વૈચારિક ક્રાંતિ માટે જરૂરી મોરબી યુવા જ્ઞાનોત્સવ તેમજ અન્ય સેવાકીય કાર્યો અને આયોજનમાં ચાવીરૂપ ભૂમિકાની સાથે અતિભારે વરસાદ હોય કે પછી કોરોના લોકડાઉન દરમિયાન તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન કરવા માટે મોરબી અપડેટે હંમેશા કડીરૂપ બનવાના પ્રયાસો કર્યા છે. જ્યારે કોરોના મહામારીમાં મોરબીની ગંભીર વાસ્તવિકતા તંત્ર સમક્ષ મૂકવી, કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન તંત્ર સાથે લાઈઝેનીગમાં રહી લોકોને સતત સાચી માહિતી પોહચાડવામાં. અગત્યની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત મોરબી અપડેટએ આદર્શ નિવાસી શાળા ખાતે કોવિડ કેર સેન્ટર સંચાલન કરવામાં પણ અહમ ભૂમિકા નિભાવવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમજ મોરબીની ઝૂલતાપુલ દુર્ઘટના વખતે પણ મોરબી અપડેટ દરેક પળેપળની અપડેટ લોકો સુધી પહોંચાડી હતી અને ટીમે જ્યાં જરૂર પડી ત્યાં કેમેરો અને માઇક સાઈડમાં મુકીને એક નાગરિક તરીકેની મદદની પણ ફરજ નિભાવી હતી.

આ સાત – સાત વર્ષની સફર દરમિયાન આપ સૌ વાંચકોના અપાર પ્રેમ અને મોરબી અપડેટની ટીમના દરેક સભ્યોની લગન અને દિલથી નિ:સ્વાર્થ ભાવે કરેલી મહેનતના કારણે આજે મોરબી અપડેટ ગુજરાતનું જિલ્લા કક્ષાનું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે. ત્યારે મોરબી અપડેટને એક નાના બીજમાંથી વટવૃક્ષ બનાવવામાં યોગદાન આપનાર આપ સૌનો ટીમ મોરબી અપડેટ દિલથી આભાર વ્યક્ત કરે છે. મોરબીમાં કાયમ શાંતિ જળવાય રહે, જિલ્લાની ઉતરોતર પ્રગતિ થતી રહે, નાગરિકોનું જીવન સરળ બને બસ તેવી પ્રાર્થના સાથે મોરબી અપડેટ સતત પોતાની ફરજમાં અડગ રહેશે.

– ટીમ મોરબી અપડેટ વતી આપ સૌનો ઋણી દિલીપ બરાસરા