દિવસ વિશેષ : બીજી ગોળમેજી પરિષદમાં ભીમરાવ આંબેડકરની મહાત્મા ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થયેલી

કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતી

મોરબી : ડો. બાબાસાહેબ આંબેડકરનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર છે. તેઓ એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારતરત્નથી ઇ.સ. ૧૯૯૦માં નવાજવામાં આવ્યા હતા.

ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્યપ્રદેશ મુકામે એક સામાન્ય ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતા-પિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું.


મહાત્મા ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત

તા. ૧૪મી ઓગસ્ટ, ૧૯૩૧માં ડૉ. આંબેડકર અને મહાત્મા ગાંધીજીની પ્રથમ મુલાકાત થઇ. ૭મી સપ્ટેમ્બર, ૧૯૩૧માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ. આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા. ડૉ. આંબેડકરે વંચિતોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ડૉ. આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઇ અને છેવટે ઉગ્ર મતભેદ થયા. ડૉ. આંબેડકર તેમની માંગણીઓમાં મક્કમ રહ્યા. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી.

બીજી ગોળમેજી પરિષદમાં મહાત્મા ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકર ઘણા જ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસના નેતાઓએ તેમના કૃત્યને વખોડી કાઢ્યું. આમ છતાં ડૉ. આંબેડકર ભારતના વંચિતોના પ્રશ્નો રજુ કરવામાં સફળ થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશના જુદા જુદા ભાગોમાં જ્યાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મીટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને વંચિત સમાજને જાગૃત કર્યો.


બંધારણના ઘડવૈયા

ઇ.સ. ૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. ૯ ડિસેમ્બર, ૧૯૪૬માં પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. ૨૯ એપ્રિલ, ૧૯૪૭માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ, ૧૯૪૭માં ભારતની વચગાળાની સરકાર રચાઈ.

ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી, ૧૯૪૮ના છેલ્લા અઠવાડીયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકરે ૧૫ એપ્રિલ, ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું.

ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. ૪ નવેમ્બેર, ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણસભાના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.


સ્વતંત્રતા પછી

ઇ.સ. ૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈમાંથી સંસદની સીટ માટે ઉભા રહ્યા પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ, ૧૯૫૨માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. ૧ જૂન, ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન, ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ્ય એવી “ડોક્ટર એટ લો”ની પદવી આપી. ૧૨ જાન્યુઆરી, ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને “ડોક્ટર ઓફ લીટરેચર” ની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે ૬ ડિસેમ્બર, ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું હતું.