આજે ગુજરાત સ્થાપના દિવસ : લાંબો ડગલો મુંછો વાંકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોળી તોળી, છેલછબીલો ગુજરાતી..

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો : ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું છે

ગુજરાત રાજ્યની સ્થાપના સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી

મોરબી :

લાંબો ડગલો મુંછો વાંકડી, શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી…
તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતિ,
ભલે લાગતો ભલો ભોળો, હું છેલ છબીલો ગુજરાતી…

તા. ૧ મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે. ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઇ રાજ્ય નામ અપાયું. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી ૧ મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા.

ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે, તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે. ઉલ્લખનીય છે કે, ગુજરાત રાજ્યની સ્થાપના મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવી હતી.

ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તર-પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું નગર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન નગર છે.


પૌરાણિક ગુજરાત

વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત સમયે શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકાનગરી વસાવી હતી. પાંડવો જે વિરાટનગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.


ઐતિહાસિક ગુજરાત

લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.

ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી, જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી. તે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડ્યું છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

ભગવાન શ્રીકૃષ્ણ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ધીરુભાઈ અંબાણી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના અનેક મહાન વ્યક્તિત્વોની જન્મભૂમિ-કર્મભૂમિ ગુજરાત રહી છે. ત્યારે ગુજરાતી હોવાનું ગૌરવ દરેક ગુજરાતીને હોય છે.


જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત, જય જય ગરવી ગુજરાત
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત,
ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.
– નર્મદ