આજે વિશ્વ રંગભૂમિ દિવસ : વિસરાતી જતી ભવાઈ કલાની વહારે સરકાર ક્યારે આવશે ?

મોરબી જિલ્લામાં વસવાટ કરતા વ્યાસ કલાકારોએ આજે પણ ભવાઈ કલાના વારસાને જીવંત રાખ્યો છે

મોરબી : એક સમય હતો કે, જયારે મનોરંજનના કોઈ જ સાધનો ઉપલબ્ધ ન હતા ત્યારે સમાજ સુધારણા તેમજ અન્ય જનજાગૃતિ અને મનોરંજન માટે ગામડે ગામડે જાહેર ચોકમાં ભવાઈ કલા થકી લોકોનું મનોરંજન કરવામાં આવતું હતું અને બદલામાં કલા સાધકોને મહેનતાણા રૂપે આનાજ કે રોકડ રકમની બક્ષિસ મળતી હતી, પરંતુ સમય જતા ટીવી, ફિલ્મ, ઇન્ટરનેટ અને મોબાઈલનો યુગ આવતા રંગભૂમિના કલાકારો આજે વિસરાઈ ગયા છે અને હવે ફક્ત 27મી માર્ચના દિવસને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે મનાવી ભવાઈ કલા સાધના અંગે ચિંતા વ્યક્ત કરવા સિવાય કશું કરવામાં આવતું નથી, બહુ બહુ તો આજના દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ચિંતા વ્યક્ત કરી સરકાર અને સમાજના ચિંતકો બે શબ્દો લખી સંતોષ વ્યક્ત કરી લેશે.

મોરબીના ધ્રુવનગરમાં રહેતા ભવાઈ કલાના ચિંતક અને લેખક રાજેશભાઇ કુકરવાડીયા આજે વિશ્વ રંગભૂમિ દિવસે જણાવે છે કે, ભવાઈ, સાહિત્ય અને સંસ્કૃતિના ઉપાસકો કલા અને જનજાગૃતિ ઉજાગર કરનારાઓ આજે ખૂદ આથમી રહ્યા છે, વિસરાતી જતી લોક કલાની વ્હારે સરકાર ક્યારે આવશે ? તેવો સવાલ ઉઠાવતા તેઓ જણાવે છે કે, આજથી અંદાજે સાડા સાતસો વરસ પહેલા લોક ભવાઈનો જન્મ થયો. જે સમયે ટીવી,ટેપ,રેડિયો, સિનેમા કે આધુનિક કોઇપણ પ્રકાર ના ટેક્નોલોજી ઉપકરણો ન હતા. એ સમયથી લોક ભવાઈ એ જનજાગૃતિનુ માધ્યમ રહી છે.દુષણો, વ્યસનો, કુ રિવાજો,બેટી બચાવો, કન્યા વિક્રય, અંદરોઅંદર ના કુસુમ્પો આ દરેક દુષણો સામે સાચી વાત પહોંચાડવા ગામડે ગામડે જઈ નાટક દ્વારા પ્રત્યક્ષ સાચુ ચિત્ર ખડુ કરી આબેહૂબ કલા સાથે લોકોને સાચો સંદેશ ભવાઈ કળાએ જ આપ્યો છે. એટલે જ તો ભવાઈ ને દર્પણનુ બિરુદ મળ્યુ છે.

ભવાઈ કલા કે નાટ્ય કલા સાથે ભારતનો પુરાણો નાતો છે. વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી નો પ્રારંભ વર્ષ 1961માં અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન International Theater Institute દ્વારા કરવામાં આવ્યો હતો. વિશ્વના અનેક નાટ્ય પ્રેમિયો અને કલાકારો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી દર વર્ષે 27મી માર્ચ ના રોજ કરવા માં આવે છે. આ અવસર પર વિશ્વના અનેક સ્થળોએ નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે નાટકોમાં સૌથી પુરાણી ગણાતી ભવાઈ કલાની વાત આવે તો ગુજરાતમાં ભવાઈ કલાનો 700 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ છે અને ગુજરાત ઉપર અલાઉદીન ખીલજીની ચડાઈ વખતે પાટીદાર દીકરીના ચારિત્ર્યની રક્ષા કરવા બ્રાહ્મણ જ્ઞાતિના કલાકારે આભડછેટના સામાજિક કલંક કુરિવાજ વચ્ચે પણ પાટીદાર સમાજની દીકરીને પોતાની દીકરી ગણાવી સાથે એક જ થાળીમાં ભોજન કરતા બ્રાહ્મણ કુળમાંથી હકાલપટ્ટી કરી સામાજિક બહિષ્કારનો સામનો કર્યા હતો અને બાદ ભવાઈ કલાનો માર્ગ અપનાવી આજે પણ વ્યાસ પરિવાર આ કલાને જીવંત રાખી હોવાનું ભવાઈ કલાના ચિંતક રાજેશભાઇ કુકરવાડીયા જણાવે છે.

મોરબી અને માળીયા મિયાણા તાલુકામા વસવાટ કરતા વ્યાસ જ્ઞાતિના કલાકારોએ ભારત જ નહીં બલ્કે વિદેશની ભૂમિ ઉપર પણ ભવાઈ કલાના ઓજસ પાથર્યા છે ત્યારે વર્તમાન સમયમાં ભવાઈ લુપ્ત થવા જઇ રહી છે, સામાજીક સંસ્થાઓ અથવા સરકાર જો વિસરાતી જતી કલાને બચાવવાં મેદાને નહિ આવે તો આવનારા સમયમાં ભારતની ભાતીગળ કલા નામશેષ થઇ જશે એ ચોક્ક્ક વાત હોવાનું અંતમાં લેખકે અને ચિંતક રાજેશભાઇ કુકરવાડીયાએ જણાવ્યું હતું.