મોરબીને લોકસભા ચૂંટણી બાદ જ મહાનગરપાલિકાનો દરજ્જો મળશે

- text


સરકારે રાજ્યમાં 9 નવી મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી પણ તેનું જાહેરનામું બહાર ન પાડતા કોકડું ગુંચવાયું

મોરબી : ગુજરાત સરકારે મોરબી સહિત રાજ્યની નવ નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજજો આપવાની જાહેરાત કર્યા બાદ હજુ સુધી જાહેરનામું અમલી ન બનતા હવે લોકસભા ચૂંટણી બાદ જ મહાનગર પાલિકાનો દરજ્જો મળશે. સાથે જ સરકારે નવ નગરપાલિકાના ચીફ ઓફિસરની કમિટી બનાવી કેટલીક વિગતો પણ મંગાવી છે.

રાજ્ય સરકારે વિધાનસભામાં બજેટ રજૂ કરતી વેળા 7 પાલિકાને મહાપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી.આ પાલિકાઓમાં નવસારી, વાપી, આણંદ, મોરબી, ગાંધીધામ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ થાય છે. બાદમાં વધુ 2 પાલિકા નડિયાદ અને પોરબંદરને પણ મહાપાલિકા બનાવવાની જાહેરાત કરી. આમ કુલ 9 નવી મહાપાલિકા બનશે. સરકારે જાહેરાત તો કરી પણ અમલીકરણ માટે જાહેરનામું બહાર નહીં પાડતા ક્યારથી અમલીકરણ થશે તે બાબતે દિવસોથી અવઢવ હતી. ખાસ કરીને લોકસભાની ચૂંટણી પહેલાં અથવા બાદમાં અમલીકરણ થશે તે બાબત ચર્ચાસ્પદ હતી. આ તર્કવિતર્ક વચ્ચે સરકારે મહાપાલિકાના સુચારુ અમલીકરણના નામે એક પત્ર જારી કરી કમિટી બનાવી દીધી છે. આ કમિટીના રાજ્ય સરકારના અધિકારીઓ ઉપરાંત તમામ 9 પાલિકાઓમાં ચીફ ઓફિસર પણ સમાવાયા છે. આ કમિટી નીમવા સાથે મહત્ત્વની કેટલીક બાબતો પરિપૂર્ણ કરી ઠરાવ પણ મંગાવ્યા છે.

- text

આ તમામ બાબતોમાં અનેક દિવસો વીતી જાય એમ છે. સરકારે જે તે પાલિકા વિસ્તારની વસ્તી અને વસ્તીની ગીચતા, વહીવટ માટે પ્રાપ્ત મહેસૂલ, બિનખેતીવિષયકમાં રોજગારની ટકાવારી, આર્થિક અગત્યતા, પાલિકાનું ક્ષેત્રફળ, મહાપાલિકા અંગે પાલિકાનો ઠરાવ, પાલિકાની નાણાકીય સ્થિતિની વિગત, લોન વગેરેની સ્થિતિ, નજીકનાં ગામો ઉમેરાય તો તે પંચાયતના ઠરાવ, પાલિકા અને નજીકનાં ગામ દર્શાવતો નકશો, પાલિકા અને પંચાયતને મહાપાલિકામાં ભેળવવા કલેક્ટરનો અભિપ્રાય, મહાપાલિકા અંગે કમિશનર ઓફ મ્યુ. એડમિનિસ્ટ્રેશનનો અભિપ્રાય સહિતની વિગતો હાલમાં કમિટી પાસે મંગાવી હોવાનું જાણવા મળે છે.

- text