મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો

- text


મોરબી : મોરબીમાં વિધવા બહેનોના સંતાનોના લગ્ન કરાવતી સંસ્થા ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા તાજેતરમાં આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 10 યુગલોએ પ્રભુતામા પગલા પાડ્યા હતા.

છેલ્લા સાત વર્ષથી મોરબી શહેરમાં વસવાટ કરતા વિધવા બહેનોના સંતાનોના લગ્ન કરાવતી ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા 275 દીકરીઓને સ્વસુરગૃહે વળાવ્યા બાદ તાજેતરમાં અન્ય 10 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 79 પ્રકારની જીવન જરૂરીયાતની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. આ ઉપરાંત દીકરીઓને પગભર થવા માટે ફ્રીમાં સીવણ ક્લાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને સિલાઈ કામ શીખી લીધા બાદ સિલાઈ મશીન પણ આપવામાં આવશે. આ ઉપરાંત ફ્રીમાં બ્યુટીપાર્લરનો કોર્સ અને તેની કીટ આપવામાં આવશે. સમૂહલગ્નના કાર્યક્રમનું પ્રમુખ સ્થાન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ શોભાવ્યું હતું. તેઓએ ગંગા સ્વારૂપ સહાય સમિતિને જણાવેલ કે દર મહિને બે, ચાર લગ્નો જો કરવા માગતા હો તો ઉમા ટાઉનશિપમાં જમણવાર સહિતની વ્યવસ્થા કરી અપાશે.

- text

આ પ્રસંગે ચંદ્રકાન્તભાઈ દફતરીએ નવદંપતીને ભ્રુણ હત્યા નહીં કરીએ તેવા શપથ લેવડાવ્યા હતા અને કોઈ એક જરૂરતમંદ દીકરીના લગ્નમાં સહાયરૂપ થવા સમજાવ્યા હતા. આ પ્રસંગે તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ પ્રમુખ પિયુષભાઇ સાણજા, લાયન ત્રિભોવનભાઈ ફુલતરીયા, તુષાર દફતરી સહિત અન્ય લાયન્સ કલબોના સભ્યો હાજર રહયાં હતા. ગંગા સ્વારૂપ સહાય સમિતિના પ્રણેતા દેવકરણભાઈ આદ્રોજા એ કહેલ કે હવે સમગ્ર સમાજ માટે ચિંતનનો વિષય છે કે લગ્નો પાછળ બિન જરૂરી ખર્ચનો ઘટાડો કરે અને આવા સમૂહ લગ્નોમાં જોડાઇ અને સમાજને નવી દિશા બતાવે. આ તકે બાલુભાઈ કડીવાર અને રણછોડભાઈએ આભાર વિધિ કરી હતી. લગ્નની પુર્ણાહુતી બાદ તમામ મહેમાનો માટે ભોજન સમારંભ યોજાયો હતો.

- text