ઓ.આર.પટેલની પુણ્ય સ્મૃતિમાં મોરબીમાં આજે રક્તદાનનો રેકોર્ડ સર્જાશે : રક્તદાતાઓ અનેરો ઉત્સાહ

- text


સ્વ.ઓ.આર.પટેલની પુણ્યતિથિએ 15 હજાર બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક

મોરબી : મોરબીમાં પાટીદાર સમાજના ભામાશા સ્વ. ઓ.આર પટેલની 11મી પુણ્યતિથિ નિમિતે આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને રક્તદાન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જો કે માત્ર મોરબી નહિ ગુજરાતભરમાં રક્તદાન કેમ્પનું આયોજન થયું હોય રક્ત એકત્ર થવાનો વર્લ્ડ રેકોર્ડ થાય તેવી શકયતા વ્યક્ત કરાઈ છે.

મોરબીમાં બહેનોને રોજગારી, કન્યા કેળવણી, ખેડૂતો માટે ચેકડેમ બાંધવા સહિતની અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીને સમાજનું ભલું કરનાર ભામાશા સ્વ. ઓ.આર. પટેલની આજે 11મી પુણ્યતિથિએ સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજી તેમને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આથી મોરબી સહિત ગુજરાતભરમાં આજે 26 સ્થળે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં શનાળા પાસે આવેલ પટેલ સમાજની વાડી ખાતે મહા રક્તદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડ્યા છે અને રક્તદાન કરી રહ્યા છે, આ કેમ્પમાં 7 હજાર બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખીને વર્લ્ડ રેકોર્ડ સર્જવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ જ રીતે સમગ્ર ગુજરાતમાં 15 હજાર બોટલ રક્ત એકત્ર કરવાનું નક્કી કરાયું છે. આ રક્તદાન કેમ્પમાં સીરામીક ઉદ્યોગકારો, શ્રમિકો તેમજ ગામેડેથી લોકો ટ્રેકટર ભરીને આવી રક્તદાન કરી રહ્યા છે.

- text

આ મહા રક્તદાન કેમ્પને સફળ બનાવવા સમસ્ત પાટીદાર સમાજ, કેળવણી મંડળના એ.કે.પટેલ, બેચરભાઈ હોથી, સીરામીક અગ્રણી ગોવિદભાઈ વરમોરા, સીરામીક એસોસિએશનની ચારેય પાંખના પ્રમુખો સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ, મોરબી સહિતની આઠ બ્લડ બેન્ક સહિતના સહયોગથી આ મહારક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે.

 

- text