પાકિસ્તાનથી આવેલા 45 હિન્દૂ નાગરિકોએ મોરબીમાં આશરો માંગ્યો 

- text


હરિદ્વાર ટુરિસ્ટ વિઝા ઉપર આવ્યા બાદ બનાસકાંઠા થઇ પાકિસ્તાની હિન્દૂ નાગરિકો મોરબી આવી ગયા : ઠાકોર કોળી સમાજ જ્ઞાતિની વાડીમાં મુકામ કરતા તંત્ર દોડતું 

મોરબી : હરિદ્વાર ટુરિસ્ટ વિઝા ઉપર આવેલા 45 હિન્દૂ પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઇ મોરબી આવી પહોંચી શરણાર્થી તરીકે આશરો માંગતા પોલીસ સહિતના વિભાગો દોડતા થયા છે, પાકિસ્તાનથી મોટી સંખ્યામાં લોકો આવીને હાલમાં જિલ્લા કલેકટર કચેરી નજીક આવેલ કોળી ઠાકોર જ્ઞાતિની વાડીમાં આશરો મેળવ્યો છે, આ મામલે જિલ્લા કલેક્ટરે કહ્યું છે કે,પોલીસ વિભાગ તપાસ કરી રહ્યું છે અને જિલ્લા પોલીસવડાએ હાલમાં તપાસ ચાલુ હોવાનું અને પૂરતી માહિતી આવ્યા બાદ વિગતો જાહેર કરવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રે 45 જેટલા પાકિસ્તાની હિન્દૂ નાગરિકો મોરબીમાં આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનથી યાત્રાધામ હરિદ્વાર ખાતે ટુરિસ્ટ વિઝા ઉપર આવેલ પાકિસ્તાનીનાગરિકો બનાસકાંઠા થઈને મોરબી પહોંચ્યા છે. વધુમાં મહિલાઓ અને બાળકો સહિત 45 જેટલા લોકો ગતરાત્રિથી મોરબી આવી પહોંચી અત્રેની જિલ્લા કલેકટર ઓફીસ પાછળ આવેલ ઠોકર કોળી સમાજની વાડી ખાતે રોકાયા હોવાનું જાણવા મળે છે.

વધુમાં આ પાકિસ્તાની નાગરિકો મોરબી આવ્યા હોવાની ઠાકોર કોળી સમાજના આગેવાનોએ તંત્રને જાણ કરી હતી.પાકિસ્તાની નાગરિકો પોતે શરણાર્થીઓ હોવાથી અને ભારતમાં સરકાર મોરબીમાં આશરો આપે તેવી માંગ કરી રહ્યા છે. ગતરાત્રીથી પાકિસ્તાની નાગરિકો મોરબી આવ્યા હોવાથી પોલીસ વિભાગ હાલમાં દોડતો થયો છે. આ મામલે જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે, પોલીસ આ બનાવની તપાસ કરી રહી છે. એસપીને પૂછતાં તેઓએ આ અંગે તપાસ ચાલુ હોય હજુ માહિતી મેળવાઈ રહી છે. કદાચ મિસ કોમ્યુનિકેશનથી આ લોકો અહીં આવી ગયા હોય એવું લાગતું હોવાનું તેમને જણાવ્યું હતું. હાલમાં એલઆઈબી વિભાગ દ્વારા પાકિસ્તાની લોકો કેમ મોરબી આવ્યા અને તેનું કારણ શું તે જાણવા તપાસ ચલાવી રહ્યો છે.

- text

પાકિસ્તાનથી આ નાગરિકો ટુરિસ્ટ વિઝા પર હરિદ્રાર આવ્યા હતા અને ત્યાંથી બનાસકાંઠા પહોંચ્યા હતા. જો કે, બનાસકાંઠામાં શરણાંર્થી તરીકે રહેવાની ઈચ્છા દર્શાવી હતી. પણ તંત્રએ કહ્યું હતું કે આ બોર્ડર એરિયા છે. એટલે તમે અહીં ન રહી શકો, નજીકમાં મોરબી છે. ત્યાં જાવ એટલે આ પાકિસ્તાની નાગરિકો બાળ બચ્ચા સાથે મોરબી આવી ગયા હોવાનું અને અહીં શરણાર્થી તરીકે રહેવાની ઈચ્છા દર્શાવી હોવાની સૂત્રો પાસેથી વિગતો મળી છે.

- text