મોરબીમાં જૂનાગઢ વાળી થવાની દહેશત ! હાઉસિંગ બોર્ડના બિલ્ડીંગો અત્યંત જોખમી

બિલ્ડીંગો જર્જરિત બની જતા ભયના ઓથાર હેઠળ જીવતા 498 પરિવારો : હાઉસિંગ બોર્ડ કહે છે રી-ડેવલોપમેન્ટ કરશું પણ ક્યારે એ નક્કી નહીં 

મોરબી :મોરબીમાં ન્યુ હાઉસિંગ બોર્ડના ત્રણ ત્રણ માળના બિલ્ડીંગો એટલી હદે જોખમી બની ગયા છે. કે ગમે ત્યારે જૂનાગઢ જેવી દુર્ઘટના સર્જાઈ તેવા એંધાણ વર્તાય રહ્યા છે. ત્રણ-ત્રણ માળની બિલ્ડીંગ જર્જરિત બની જતા 498 પરિવારો ભયના ઓથાર હેઠળ થરથર કાંપી રહ્યા છે. જો કે આ જર્જરિત બિલ્ડીંગોનો તંત્ર દ્વારા સર્વે પણ થઈ ગયો છે. અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ રિડેવલોપમેન્ટની કેસેટ પણ વગાડી રહ્યા છે પણ ત્યાં સુધીમાં મોટી દુર્ઘટના બની જાય તો જવાબદાર કોણ તેવો વેધક સવાલ ઉઠ્યો છે.

મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટમાં યાર્ડ સામે આવેલ હાઉસિંગ બોર્ડની ત્રણ ત્રણ માળની અનેક ઇમારતો અંત્યત જોખમી બની ગઈ છે. ગમે ત્યારે પડે તેવી અત્યંત જોખમી હાલતમાં છે. સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજુઆત કરી ત્યારે હમણાં જ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા આ નવા હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારતોનો સર્વે કરવામાં આવ્યો હતો. પણ હજુ સુધી આ નવા હાઉસિંગ બોર્ડના ત્રણ માળના મકાનો ખાલી કરીને રીનોવેશન કરવા કે નવા બનાવવા અંગે કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. એટલે જોખમ વધ્યું છે. જો કે, 38 વર્ષ પહેલાં આ નવા હાઉસિંગ બોર્ડના મકાનો બનાવવામાં આવ્યા હતા અને 83 જેટલી બિલ્ડીંગોમાં 498 જેટલા મધ્યમવર્ગીય પરિવારો 32 વર્ષથી વસવાટ કરી રહ્યા છે. વર્ષ 1991માં નવા હાઉસિંગ બોર્ડના મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા હતા. ત્યારથી 498 પરિવારો વસવાટ કરી રહ્યા છે. પણ જોખમ વધુ હોવાથી આ પરિવારો સતત ભયના ઉચાટ સાથે જીવી રહ્યા છે.

નવા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઇમારતો જર્જરિત બની ગઈ છે. રહીશોના કહેવા પ્રમાણે આ ઇમારતોના મૂળ એટલે પાયા જ સડી ગયા છે. એટલે રીનોવેશન ટકશે નહિ, ફરીથી આ ઇમારતોને નવી બનાવવામાં આવે તો આ લોકો રહી શકે એમ છે. અત્યારે પોપડા પડતા હોવાથી 30 ટકા પરિવારો અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા છે. જેની પાસે વિકલ્પ નથી તેઓ લાચારી વશ જીવન જોખમે અહીં રહેવા મજબુર છે.

અહીંના રહીશો કહી રહ્યા છે કે, અધિકારીઓ જ્યારે સર્વે કરવા અન્યા હતા. ત્યારે અધિકારીઓએ સર્વે કરીને હવે પાકા મકાનો બનાવવામાં આવશે તેવું કહીને ગયાને ઘણો સમય થઈ ગયો પછી અધિકારીઓએ પાછું વળીને જોયું જ નથી. કે નથી સરકાર તરફથી કોઈ રીપ્લાય આવ્યો. પરિસ્થિતિ ઘણી ગંભીર હોવા છતાં તંત્ર અને સરકાર જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

મોરબીમાં આમ તો જમીનનો ભાવ આસમાને છે સોના કરતા પણ જમીનના ભાવ ઘણા મોંઘા છે. પરંતુ નવા હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગ જોખમી બનતા જમીનની કિંમત પણ ઘટી ગઈ છે. સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સર્વે કરવા આવ્યા ત્યારે નવા મકાનો બનાવવા હોય તો રહીશોને સહી કરવાનું કહેતા સહી કરી આપી અને અધિકારીઓ એક નોટિસ ત્યાં લગાવી ગયા છે, નોટિસમાં લખ્યું છે કે, નવા હાઉસિંગની બિલ્ડીંગો જર્જરિત થઈ ગઈ હોવાથી આ બિલ્ડીંગ પડશે અને કોઈ જાનહાની થશે તો તેની જવાબદારી જે તે એસોસિએશન અને સ્થાનિક રહીશોની રહેશે. સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં. આ રીતે અધિકારીઓએ નોટિસ લગાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે.


સ્થાનિક રહીશ કાંતિભાઈ વૈષ્નાણીએ જણાવ્યું હતું કે, અધિકારીઓએ જવાબદારીમાંથી હાથ ખખરીને દોષનો ટોપલો અમારા ઉપર ઢોળ્યો છે. આ ઇમારતો પડું પડુંની હાલતમાં છે એ અધિકારીઓને ખબર છે. પણ સરકારનું ધ્યાન દોરીને નવા બનાવવા માટે પહેલા અમારા રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, પછી નવા બનાવવા જોઈએ. પણ અમારી પાસે રહેવા કોઈ જગ્યા નથી. રોડ ઉપર આવી જાય એમ છીએ, એટલે મોત માથે ભમતું હોય છતાં રહેવા મજબૂર છીએ.


ગીતાબેન ભાવસારએ જણાવ્યું હતું કે,આ જર્જરિત બિલ્ડીંગ મામલે અધિકારીઓ સર્વે કરવા આવ્યા ત્યારે નવા મકાનો બનાવી દેવાનો વાયદો કર્યો હતો. પણ આ અધિકારીઓ ગયા એ ગયા હજુ સુધી પરત આવીને વાયદો નિભાવ્યો નથી. અધિકારીઓએ આવી રીતે લોલીપોપ આપ્યો છે.ધરતી કંપ આવે કે વાવઝોડું તેમજ ભારે વરસાદ આવે તો પણ અમારે ઘરની અંદર જ રહેવું પડે છે. કારણ કે બહાર નીકળીએ તો પોપડા પડે છે.


જયશ્રીબેન વાઘેલા કહે છે કે, સગવડ ધરાવતા લોકો અહીંથી સલામત જગ્યાએ નીકળી ગયા છે. પણ અમારા જેવા સામાન્ય પરિવાર પાસે આવી સગવડ હોતી નથી એટલે રહેવા જાય તો ક્યાં જાય, ઉપરથી આ મકાનની વેલ્યુએશન પણ ઘટી ગઈ છે.નીચેથી સડી ગઈ હોય અને બીમ કોલમ વગરની આ બિલ્ડીંગ હોય અમારા ઉપર મોટી આફત છે. આ વેદનાને સરકાર સમજીને તાકીદે અમારા હિતમાં નિર્ણય લે તેવી અમારી આજીજી છે. કારણે દુર્ઘટના બને પછી મગરના આંસુ સારવાને બદલે અત્યારે પાણી પહેલા પાળ બાંધી લેવી જરૂરી છે.


આ અંગે હાઉસિંગ બોર્ડ અધિકારી ડી.બી. પટેલે જણાવ્યું હતું કે મોરબીના હાઉસિંગ બોર્ડની જર્જરિત બિલ્ડિંગોનો સર્વે કરાયો છે તમામ રહેવાસીઓ રી ડેવલોપમેન્ટ માટે તૈયારી બતાવી છે અને આ અંગેનો રિપોર્ટ હેડ ઓફિસે મોકલી આપવામાં આવ્યો છે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ રી ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરાશે.