ચંદ્રયાન – 3ના સફળ લોન્ચિંગમાં મોરબી જિલ્લાના વતની ઇસરોના એન્જીનીયરનો પણ મહત્વનો ફાળો

- text


હળવદ તાલુકાના વતની ચાડધરા ગામના ગઢવી સમાજના ભરતભાઇ ટાપરિયાએ ચંદ્રયાન રોવરમા પીસીબી ફેબ્રિકેશનની કામગીરી કરી હતી, લોન્ચિંગના સાક્ષી બની નિવૃત થયા

મોરબી : તાજેતરમાં ભારતીય અવકાશ સંસ્થા ઈસરો દ્વારા ચંદ્રયાન – 3નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે આ ચંદ્રયાનના મહત્વના રોવર બનાવવાની કામગીરી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચાડધરા ગામના વતની એવા એન્જીનીયર ભરતભાઇ એન.ટાપરિયાએ નિભાવી હતી અને ચંદ્રયાનના લોન્ચિંગના સાક્ષી બન્યા બાદ તેઓ સેવા નિવૃત થયા છે.

સિરામિકક્ષેત્રે વિશ્વભરમાં નામના હાંસલ કરનાર મોરબી જિલ્લાની ધરતી ઉપર બહુગુણા રત્નોનો અમૂલ્ય ખજાનો છે જે વિવિધ ક્ષેત્રે મોરબી જિલ્લાને ગૌરવ અપાવી રહ્યા છે. તાજેતરમાં ભારતીય અવકાશી સંસ્થાન ઈસરો દ્વારા ચંદ્રયાન – 3નું સફળ પ્રક્ષેપણ કરાયું છે ત્યારે ચંદ્રયાન 3ના અતિ મહત્વના કહી શકાય તેવા રોવર સહિતની સામગ્રી તૈયાર કરવામાં અમદાવાદ ઈસરો ખાતે ફરજ બજાવતા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચાડધરા ગામના વતની એન્જીનીયર ભરતભાઇ એન.ટપરિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

મોરબી અપડેટ આ બાબતે ભરતભાઇ એન.ટાપરિયા સાથે વાત કરતા તેઓ ગૌરવભેર જણાવે છે કે ઈસરો સંસ્થાનમાં તેઓ છેલ્લા 37 વર્ષથી ફરજ બજાવતા હતા અને ચંદ્રયાન – 3ના સફળ લોન્ચિંગ સાથે જ તેઓ વયમર્યાદાના કારણે નિવૃત થયા છે.

વધુમાં તેઓ ઉમેરે છે કે મૂળ વતન હળવદ તાલુકાના ચાડધરા ગામથી અમદાવાદ સ્થાયી થયા બાદ અમદાવાદમાં જ એન્જીનીયરીંગનો અભ્યાસ કરી તેઓ ઈસરો સાથે જોડાયા હતા અને ઉપગ્રહ સાથે જોડવામાં આવતી રોવર સહિતની સાધન સામગ્રીમાં ફેબ્રિકેશન અને પીસીબી સહિતના ભાગોના નિર્માણ કાર્યમાં તેઓએ ફરજ નિભાવી છેલ્લે ચંદ્રયાન – 3ના સફળ લોન્ચિંગના સાક્ષી બની પોતાના સફળ સેવા કાર્યમાંથી તેઓએ નિવૃત્તિ લીધી છે. ઉલ્લેખનીય છે કે, ચંદ્રયાન – 2 વખતે પણ તેઓએ મહત્વની ફરજ અદા કરી હતી પરંતુ ચન્દ્ર ઉપર ઉતરાણ વખતે રોવરમાં ખામી સર્જાઈ હતી જ્યારે ચંદ્રયાન – 3નું સફળ લોન્ચિંગ થતા તેઓએ ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

- text

- text