‘બા’ એમ ન બનાય ! મોરબીની “રાણીબા” ઉપનામ ધરાવતી યુવતીને ક્ષત્રિય યુવાનની ધમકી

મોરબીના સામાકાંઠા વિસ્તારમા રહેતા યુવાને ધમકીભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરતા ફરિયાદ

મોરબી : મોરબીમાં રાણીબા ઉપનામ ધરાવતી યુવતીને બા એમ ન બનાય… તેવું કહેતો વીડિયો બનાવવાની સાથે આ યુવતીએ ડોકટરને હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનો આરોપ લગાવી મોરબીના સામાકાંઠા વિસ્તારમા રહેતા યુવાને ધમકીભર્યો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના એસપી રોડ ઉપર રામકો બંગલો પાસે રહેતી અને રવાપર રોડ ઉપર સેલ પેટ્રોલપંપ સામે સિદ્ધિ વિનાયક આર્કેડમા રાણીબા ઇન્ડસ્ટ્રીઝ નામે ટાઇલ્સનો વેપાર કરતી વિભૂતિ ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા ઉ.26 નામની યુવતીએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શિવ સોસાયટીમાં ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે રહેતા કૌશિકસિંહ ઉર્ફે બબુભા મીઠુભા જાડેજાએ તેણીને ધમકી આપતો વીડિયો વાયરલ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

વધુમાં વિભૂતિ ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપી કૌશિકસિંહ ઉર્ફે બબુભા મીઠુભા જાડેજાએ વીડિયો વાયરલ કરી તેમાં જણાવ્યું હતું કે રાણીબા ઇન્ટરનેશન એક્સપોર્ટની વ્યક્તિ ડોકટરોને હની ટ્રેપમા ફસાવે છે અને કરોડોના કૌભાંડ કરે છે સાથે જ આ યુવાને તેણીના ગાડી નંબર પણ વિડીયોમા દર્શાવ્યા હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત ગત તા.6 જુલાઈના રોજ બીજો વીડિયો વાયરલ કરી આ યુવાને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી તેણીનો સદંતર નાશ કરવાની ધમકી આપી હોવાનું જણાવી ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી કૌશિકસિંહ વિરુદ્ધ આઇપીસી કલમ 504, 506 (2) અને 509 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.