હળાહળ કળજુગ ! પત્નીએ પતિને પતાવી દીધો

- text


વાંકાનેર તાલુકા પીપળીળા રાજ ગામે યુવાનની હત્યાનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખતી તાલુકા પોલીસ, પોલીસે કડક પૂછપરછ કરતા પત્નીએ જ હત્યા કર્યાની કબૂલાત આપતા પત્નીની ધરપકડ કરી

વાંકાનેર : વાંકાનેરના પીપળીયા રાજ ગામે ગઈકાલે ખેત શ્રમિક યુવાનની હત્યા થયાનો બનાવ સામે આવતા બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે શંકાના દાયરામાં રહેલી મૃતકની પત્નીની પૂછપરછ કરતા તેણીએ જ પતિની હત્યા કર્યાની કબૂલાત આપી હતી અને વારંવાર કજિયા. કંકાસ કરતાં તેમજ પિતાના ઘરે જવાની ના પાડતાં પત્નીએ જ પતિને રહેંસી નાખ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પત્નીએ હત્યા કર્યાની કબૂલાત આપતા પોલીસે તેણીની ધરપકડ કરી છે.

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામેં મકબુલભાઇની વાડીએ રહીને ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રવીતભાઇ ડુંગરભાઇ બામનીયા નામના યુવાનની ગત તા.૫/૭/ર૦ર૩ ના રોજ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. આથી મૃતકના ભાઈ સુકુભાઇ ડુંગરભાઇ બામનીયાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતાનાથી નાનો ભાઇ રવીતભાઇ ડુંગરભાઇ બામનીયા તથા તેની પત્ની કરમબાઇ એમ બન્ને જણા વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે મકબુલભાઇની વાડીએ રહી મજુરી કામ કરતા હોય અને ગઇ તા.૫/૭/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાનો નાનો ભાઇ રવીત તેની પત્ની કરમબાઇ સાથે વાડીની ઓરડીમાં સુતો હોય તે વખતે કોઇ અજાણ્યા બે ઇસમો કોઇ હથિયાર વડે માથામાં માર મારી મોત નિપજાવેલ હોવાની તેમજ પોતાના નાના ભાઇની પત્ની કરમબાઇ પણ આરોડીમાં સાથે જ સુતી હોય જેથી આ કરમભાઇએ પણ આ બે અજાણ્યા માણસોને મદદ કરેલ હોવાની શંકા-વહેમ ઉપજાવતી ફરીયાદ આપતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઈન્સ. બી.પી.સોનારાએ તપાસ હાથ ધરી હતી.

હત્યાના આ બનાવની તપાસમાં ફરીયાદીએ પોતાના ભાઇની પત્ની કરમબાઇ ઉપર શંકા ઉપજાવેલ હોય અને તપાસ દરમ્યાન આ બનાવ રાત્રીના સાડા બારેક વાગ્યા અરસામાં બનેલ હોય અને મૃતકની પત્નીએ બે કલાક બાદ કોઇ અજાણ્યા માણસો તેના પતિનુ મોત નિપાજાવેલ હોવાની વાડીની બહાર સુતેલા મૃતકના ભાઇ તથા ભાભીને જાણ કરી હોય જે બાબત પણ શંકા ઉપજાવતી હોય જેથી મૃતકની પત્ની કરમબાઇ રવિતભાઇ બામનીયાની યુકિત પ્રયુકિત અને આગવી ઢબથી પોલીસે સઘન પુછપરછ કરતા ભાંગી પડતા તેણીએ હત્યાના બનાવની કબૂલાત આપી હતી.

- text

મૃતકની પત્નીએ પોલીસ સમક્ષ કબૂલાત આપતા જણાવ્યું હતું કે પોતે તથા મૃતક પતિ રવિતને લગ્નનો એકજ મહીનો થયેલ હોય અને તેનો પતિ તેના સગાવહાલા સાથે ફોનમાં વાત-ચીત કરવાની ના પાડતો હોય અને નાની નાની બાબતે તેણી સાથે ઝઘડો-તકરાર કરતો હોય અને પોતાના પિતા પાસે જવાનુ કહેતા પતિએ જવાની ના પાડેલ અને કોઇ દિવસ જવા નહીં દવ તેમ કહેતો હોય અને દામ્પત્ય જીવનમાં પણ સુખ ન હોય જેથી પોતાના પતિ સાથે અણગમો થઇ જતા ગઇ તા.૫ના રોજ રાત્રીના સમયે પોતાના પતિ ખાટલામાં સુતો હોય તે વખતે આવેશમાં આવી જઇ ઓરડીમાં પડેલ લોંખડની કોશ વડે માથાના પાછળના ભાગે પ્રહાર કરી તથા કુહાડી વડે માથામાં ઇજા પંહોચાડી મોત નિપજાવેલ હોય અને સત્ય હકિકત છુપાવવા ફરિયાદી તથા સાહેદોને કોઇ અજાણ્યા માણસો મોત નિપજાવેલની ખોટી માહિતી આપી હતી. મૃતકનો ફોન પોતાની પાસે રાખી નજીક દાટી દીધેલ હોય હોવાની કબુલાત આપેલ હોય તપાસ દરમ્યાન ગુનામાં ઉપયોગમાં લીધેલ હથિયાર તથા મોબાઇલ તથા સીમ કાર્ડ રીકવર કરી કબજે કરવામાં આવેલ છે.તેમજ આરોપી કરમબાઇએ પોતે જ તેના પતિનુ મોત નિપજાવી ગુનાને અંજામ આપેલ હોવાની કબુલતા આપેતા પોલીસે આરોપી કરમબાઇ રવીતભાઇ બામનીયાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text